પૃષ્ઠ:Purvalap1.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

થઈ તથાપિ વિમુક્ત પ્રયાસથી, લઈ વિદાય નદીતટ પાસથી; મિથુન એહ ચડે અવકાશમાં, સ્થિતિ કરે દિનતેજ-સકાશમાં.

અવર કાંઈ હવે નથી દેખતાં : અવર કાંઈ હવે નથી લેખતાં : ચપલ, આખરની, ક્ષણ એ છતાં, ઉભય જીવન એક થતાં દીસે!

ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય જેમ, ઊડી બંને ગ્રહણ કરતાં ઉન્નત સ્થાન તેમ; દૃષ્ટિ પ્રેરે વિતત ગગને, કાંતિ કૈં ના જણાય. આછી આછી રસ રહિત ત્યાં વાદળીઓ તણાય.

ઉદધિને રવિબિંબ હવે અડે, અતિ સમુચ્છ્તિ તેય હવે ચડે, ક્ષણ લગી પરિરંભ કરી રહે, હૃદય કંપિત સાથ ધરી રહે!

રોમે રોમે વિરહભયની વેદનાથી બળે છે, છૂટી છૂટી, સહન ન થતાં, મત્ત પાછાં મળે છે; વેળા થાતાં વિધિદમનની ગાત્ર ખેંચાય સામાં, પ્રેમી બંને ધૃતિ અતિ છતાં થાય સંમૂઢ આમાં.