પૃષ્ઠ:Purvalap1.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૫. દેવયાની Previous Next

“રજનીથી ડરું, તોયે આજે એ લેખતી નથી; ક્યાં છો? કચ! સખે! ક્યાં છો? કેમ હું દેખતી નથી?”

લંબાવેલા સ્વર મધુર આ વ્યોમ માંહે ફરે છે, પુષ્પે પુષ્પે વિટપ વિટપે નૂતન શ્રી ભરે છે; નાનાં નાનાં વપુ ધરી શકે શોધતા એ દિશામાં, રેલંતા એ રતિ વિવિધ શી કૈં શશીની નિશામાં!

દિવ્ય પ્રભા નીરખી ઉત્સુક જે થયેલી, દેખાડવા સુહૃદને પ્રણયાર્દ્ર ઘેલી; તે આ સ્વભાવસરલા કરી દોડ નાની બોલાવતી ધસતી બાલક દેવયાની.

તરે જે શોભાથી વન વન વિષે બાલહરિણી; સરે વા જે રીતે સુરસરિતમાં સૌમ્ય કરિણી; કરે એવું જ્યોત્સ્નાભ્રમણ, ભ્રમણે જ્યાં અટકતો શશાંક પ્રેક્ષીને સુભગ મણિ સેંથે ઝબકતો!

તરુઓ અભિનંદે આ અંગો લલિતને નમી; સમગ્ર નભ વર્ષે છે, આહા! ઉપરથી અમી!