પૃષ્ઠ:Purvalap1.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઠંડો મીઠો કુમુદવનનો માતરિશ્વા વહે છે; ક્રીડંતો જ્યાં તરલ અલકશ્રેણિ સાથે રહે છે; બાલાને એ વ્યજન કરતો દાખવે અભિજાત્ય, પ્રેરે નૃત્યે પદ રસિકનો અગ્રણી દાક્ષિણાત્ય!

જેવી તરંગે શિખરે જલદેવી નાચે; વક્ષઃસ્થળે શિશુ સમી ગણી સિંધુ રાચે; અજ્ઞાત તેવું રમણીય નિહાળી લાસ્ય, પામે પ્રમોદ વસુધા ઊભરાય હાસ્ય!

હવે તો મેદાને વરતનું દીસે છે વિચરતી; વિલોકે સામે, ત્યાં ત્વરિત ચરણોની ગતિ થતી; રહ્યાં બંને બાજુ તરુવર, નહીં કાંઈ વચમાં, વસેલું આવીને પણ સકલ સૌંદર્ય કચમાં!

રોહિણીપતિના ભાલે રશ્મિઓ રમતા હતાઃ તુહિનાચલના જાણે શૃંગમાં ભમતા હતા!

શોભીતા શા સહુ અવયવો, સ્નિગ્ધ, ગોરા, ભરેલા, યોગાભ્યાસ પ્રબલ થકી શા યોગ્યતામાં ઠરેલા : ગાલે, નેત્રે, સકલ વદને, દીપ્તિ સર્વત્ર ભાસે, જ્યોત્સ્નાને એ વિશદ કરતો સ્વચ્છ આત્મીય હાસે!

આકાશમંડલ ભણી દૃગ એ નથી જ, વિશ્રામ આજ નથી ભૌતિક કોઈ ચીજ; નેત્રો નિમીલિત થતાં હૃદયે તણાય, અધ્યાત્મચિંતન-નિમગ્ન થયો જણાય!