પૃષ્ઠ:Purvalap1.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હવે તો આ આવી નિકટ ગુરુકન્યા કચ તણી, અવસ્થાને જાણી નહિ, અગર જાણી નહિ ગણી; “નિહાળે શું? હા! તો સફળ સમજું આગમનને! નહીં : નીચી દૃષ્ટિ : અરર! અવમાને ગગનને!”

કર સાહી કહે મીઠું : “વ્યોમસાગરને તટે, મુખ તો વિધુલક્ષ્મીનું જો, સખે! આમ ના ઘટે!”

પાડી નાખે તનુ પર પડયું બિંદુ જે હૈમ આવી, ઝાડીમાંથી મૃગપતિ જરા યાળ જેવો હલાવી; કીધો નીચે સુતનું કરને એ પ્રમાણે કચે જ્યાં, ઝાંખા જેવો વિધુ પણ થયો દૈન્ય દેખી નભે ત્યાં!

સાશંક ભીરુ નીરખી રહી આસપાસ, નાનું દીસે મુખ અનાદરથી ઉદાસ; ધીમે હવે કચ ભણી જ્યમ એ વળે છે, તેવું જ હા! ઊતરતી દૃગને મળે છે!

જરા જોયું, ત્યાં તો અતિશય દીસે છે પ્રસરતી, કુમારીને લજ્જા, નયન પણ નીચાં જ ધરતી; રહી વેળા થોડી કચ પણ હવે આમ ઊચરે, હતું ધીમું તોયે, પરિચિત છતાં એ પણ ડરે!

“અવસ્થાભેદનું, દેવી! તને ભાન દીસે નહીં : મુગ્ધ! શું સમજે છે તું બાલભાવ બધા મહીં?”