પૃષ્ઠ:Purvalap1.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રે રે! એને શ્રવણ ન કદી વાક્ય એવું પડેલું, હૈયું એનું મૃદુલ વિરલું ગર્ભમાંથી ઘડેલું; આંસુ આવ્યાં નહિ પણ બની બાલિકા છેક ઝાંખી, ઊભી યત્ને, વિવશ ચરણે, મર્મ નઃશ્વાસ નાંખી!

આ તે ઊભી કુમુદિની સરખી નમેલી, જે ચંદ્રની વિકૃતિને ન કદી ખમેલી; લાવણ્યને વિવશ જોઈ નહીં શકે જે, ચિત્તે બહુ વખત રોષ ક્યહાં ટકે તે?

સ્વસા જેવી, જેને દિલગીર કરેલી નહિ કદા, રહી સાથે જેની શિશુ સમ બનેલો પણ સદા; કરી તેની આવી સ્થિતિ નિજ કઠોર પ્રવચને, થયો પશ્ચાત્તાપ પ્રબલ મનમાં તુર્ત કચને.

શબ્દ સાંત્વનને માટે શોધે, પણ મળે નહીં; વિચારે બહુધા, તોયે કંઈ ચેન વળે નહીં!

રોતી હોશે અવનત મુખે એમ શંકા કરીને, ઊંચી લીધી તનુ કટિ કને બાહુ સાથે ધરીને; “બોલે! શું છે વદ નભ વિશે, સજ્જ છું સર્વ જોવા, તારી સાથે, અધિક રડશે તો પછી સાથ રોવા!”

રોકેલ અશ્રુદલ જે હૃદયે જડીને, ભીંજે કપોલ કચના હમણાં પડી તે; છાયું હતું ઘનપટે મુખ ખેદનાએ, ત્યાંયે સુહાસ્ય વિધુના સમ અલ્પ થાય!