પૃષ્ઠ:Purvalap1.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધરી હૈયા સાથે સદય મૃદુ આલિંગન કર્યું; વહીને ઓષ્ઠેથી મધુર વદને ચુંબન ઠર્યું; કરી નીચી હાવાં સજલ નયને એ નીરખતો, છવાયેલું હર્ષે વદન દીસતાં હર્ષિત થતો.

સ્ફુરે લાવણ્યનું શું આ પરિવર્તન અંગમાં : રમતી રમણી ભાસે દિવ્ય નૂતન રંગમાં!

શોભે જેવી શુચિ નીસરતી માનસેથી મરાલી, વર્ષા કેરાં વિમલ જલમાં નાચતી વા મૃણાલી; ઓચિંતી વા તનુ ચમકતી મેઘથી જેમ વીજ, બાલા તેવી બની ગઈ, ખરે અદ્ભુત સ્પર્શથી જ!

વૃત્તાંત પૂર્વ સઘળું વીસરી ગઈ એ, દ્રષ્ટવ્યમાં દ્વિગુણબદ્ધ હવે થઈ એ, સ્નેહોર્મિથી સદયની થઈ આંખ ભીની, જોતો રહ્યો સરલતા કચ સુંદરીની!

તરે જે શોભાથી વન વન વિષે બાલહરિણી, સરે વા જે રીતે સુરસરિતમાં સૌમ્ય કરિણી; કરે એવું જ્યોત્સ્ના ભ્રમણ, ભ્રમણે ત્યાં અટકતો શશાંક પ્રેક્ષીને સુભગ મણિ સેંથે ઝબકતો!

વિશુદ્ધ સ્નેહનું જોડું વિશ્વસૌંદર્યમાં વહે : વિલાસી વિધુ ને તારા નભથી નીરખી રહે!