પૃષ્ઠ:Purvalap1.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૯. અશ્રુને આવાહન Previous Next

બધે આ વેળાએ ગહન સરખી શાંતિ પ્રસરી, વહી ચાલી રાત્રિ જગ સકલને નિદ્રિત કરી; કર્યા કોટી યત્નો, બહુ બહુ ઉપાયો પણ વળી, તથાપિ મારી તો, અરરર! હજી આંખ ન મળી!

મળે એ શી રીતે? નથી હૃદય પ્હેલાં તણું હવે, બન્યું એ તો બીજું : બહુ જ બદલાયું અનુભવે; હવે સૂવા દેતું નથી શયનમાં તુર્ત પડતાં, નિશાઓ ગાળું છું અતિશય ઘણી વાર રડતાં!

અરે! એનો એ હું, બહુ વખત વીતી નથી ગયો, હતો કેવો! આજે, અરર! પણ આવો ક્યમ થયો! જરા ન્હોતી ચિંતા, હૃદય સુખમાં રોજ રમતું, ખુશીથી, સૌ રીતે, સકલ વખતે, સર્વ ગમતું!

અરે! આજે તો રુજ હૃદયને દારુણ દમે, બહુ રાખું ધૈર્ય, પ્રભવ પણ આઘાત ન ખમે; નહીં આવે આંસુ, કઠિન બલ સાંખી ક્યમ શકું, નથી ગ્રાવા છાતી, અશરણ હવે હું નહિ ટકું!

અરે! આવો, વ્હાલા! અંવર નથી આધાર જ રહ્યો, વહો, આંસુ મીઠાં! વિષમ ભર જાતો નથી સહ્યો; તમે ચાલો, વર્ષો, નયન થકી ધારા થઈ પડો, બધે, અંગે અંગે, સુહૃદ સરખાં સત્વર દડો!