પૃષ્ઠ:Purvalap1.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઘણી વખત થાકતાં, નિજ કરે સુવાડી મને, પ્રિયા ઉભય નાવને ચલવતી ધરીને કને; કદી ગહન અંધકાર પ્રસર્યા પછી જાગતો, તથાપિ ગણતો ગણતો નહિ, સદયની ક્ષમા માગતો!

અહો! હૃદયહીનતા! અવધિ છેક કાઠિન્યની! વ્યથા ન સમજી શક્યો પ્રિયતમા મુખે દૈન્યની! કદાપિ લઈ અંકમાં રસિક કૈં કથાઓ કહું, ગણી પરિસમાપ્તિ ચિત્ત કૃતકૃત્ય માની લહું!

કહે કરુણ એકદા : “નવ જશું કિનારે સખે, જરા જનસમાજમાં! જડ જલે થવાશે રખે!” હતાં સજલ નેત્ર એ : મુજ ભરેલ નિદ્રા લસેઃ પડયો તરત ઊંઘમાં! સ્મરણ તે ન હાવાં ખસે!

કરાલ રજની મહીં ગગન ગર્ત્તમાં ડૂબતી, દૃગે દૃગ ઉઘાડતાં ચડી અનેક તારા સતી; હતી શિથિલ નાવલી સ્થિર, જરા ન દીઠી ક્રિયા, પડયો તરત જલ્પતો જલધિમાં “પ્રિયા! હા પ્રિયા!”