પૃષ્ઠ:Purvalap1.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૪. અગતિ ગમન

બધા ઝાંખા તારા, વિધુ પણ મહીં તેજ ન મળે, થયેલું અંધારું પથિક તરુછાયાથી સઘળે; નહીં ચાલે તેમાં ચરણ, દિલ તો દૂર ફરતું, સખે! બીજે તો ક્યાં? પ્રિય હૃદયની પાસ સરતું!

નથી તેં શું ક્યારે ક્ષણ વિરલ એવી અનુભવી? સ્ફુરંતી ઊંડાણે અસર સહસા અદ્ભુત નવી : વિચારો રેલીને પ્રણયરસ સર્વત્ર ઊભરે, અને ન્હાતાં ન્હાતાં હૃદય હૃદયાલિંગન કરે!

બને ત્યારે આંખો મૃદુલ શિશુના સ્વપ્ન સમ, ને જતી ભાસે સ્વર્ગે સહજ શિરના સ્વલ્પ નમને! ફરી પાછું હૈયું ક્ષણ અવરમાં વાસ વસતું, અને અંધારાથી ચરણ સમજી શીઘ્ર ખસતું!