પૃષ્ઠ:Purvalap1.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૬૭. મનોહર મૂર્તિ

[કવ્વાલી] દેવે દીધી દયા કરી કેવી મને, અહા! મૂર્તિ મનોહર માશૂકની! નવરંગ પ્રફુલ્લ, ગુલાબ સમી મૃદુ, મૂર્તિ મનોહર માશૂકની!

નયને કંઈ નૂર નવું ચળકે, વદને નવી વત્સલતા ઝળકે; સખી! એક જ તું ગમતી ખલકે મને, મૂર્તિ મનોહર માશૂકની!

શિરકેશ સુકોમલ સોહી રહ્યા, સ્મિત જોઈને તારક મોહી રહ્યા, કામધેનુ-શી બાલક દોહી રહ્યા તને, મૂર્તિ મનોહર માશૂકની!

હૃદયે શુભ, ઉજ્જવલ ભાવ ભરો : પ્રણયામૃતની પ્રિય ધાર ધરો : સહચાર મહીં ભવ પાર તરો, સખી! મૂર્તિ મનોહર માશૂકની!