પૃષ્ઠ:Purvalap1.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પૂર્ણ ચંદ્ર પ્રકાશે છે, વરસે છે સુધા સદા, અંતરિક્ષ વિશે ગાય અપ્સરાઓ પ્રિયંવદા. વૃક્ષોમાંથી પરિમલ લઈ વાયુ જે સંચરે છે, સ્થાને સ્થાને હૃદયકમલો હર્ષથી તે ભરે છે; મીઠો મીઠો રવ કરી કરે પક્ષીઓ સર્વ ગાન, ક્રીડા કેરાં સદન નીરખી છેક ભુલાય ભાન. “બીજું જોવા નહીં દેવું, આજ્ઞા છે એમ આકરી, માટે આપ વળો આમ, કવિરાજ, કૃપા કરી.” લીધો રસ્તો પ્રિય સખી તણું વાક્ય એ સાંભળીને, છોડી દીધું અવર સઘળું અન્ય માર્ગે વળીને; થોડી વારે પવનલહરી આવવા માંડી શીત; ધીમું ધીમું શ્રુતિ પર પડયું દૂરથી કોઈ ગીત. સાંભળી વિકૃતિ મારી આંખોમાં સહસા થઈ, ઓળખ્યો સ્વર મેં એવું અપ્સરા સમજી ગઈ. દેખાયો ત્યાં મધુર સ્વરના જન્મનો દેશ પાસે, ઘાટાં વૃક્ષો મહીં પણ જહીં ચદ્રિકા સ્પષ્ટ ભાસે; જોયો દૃષ્ટિ સ્તિમિત કરીને સ્વર્ગગંગાપ્રવાહ; જેથી મારો ઝટ શમી ગયો મૂડ મર્ત્યત્વદાહ. દર્શાવે છે કરી ક્રીડા શકુન્તો મનનો રસ, સજોડ પુલિનો પાસે રમે છે હંસ સારસ.