પૃષ્ઠ:Purvalap1.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હાશ! આ ગમથી આવ્યું, સૂર્ય આગળ વાદળું; છાંયો થયો જરા તેથી, અને શાંત થયું ગળું!

નીચે પડી નયન તોય જરા ઉઘાડે, દેખી જલાશય વળી વપુને ઉપાડે; અત્યંત દુઃખ પણ એ તનમાં સહે છે, સંકલ્પ ત્યાં ગમનનો મનમાં લહે છે.

અરે! એ મૃગતૃષ્ણા છે : બાલે! કાં ભૂલ ખાય છે? અનુભવ વિના તારો શ્રમ સૌ વ્યર્થ જાય છે.

રે શું વિધિ કદરહીન હશે બહુ જ, નિર્દોષતા તણી નહિ કંઈ હોય બૂજ? આકાશમાં ક્યમ ચડી નહિ મેઘ આવે, આ નિષ્કલંક પશુને દુઃખથી મુકાવે?

દીસે છે ક્રૂરતા કેવી કર્તાની કરણી મહીં! ત્રાતા જો હોય, તો આની કેમ સંભાળ લે નહીં?

રે! આ સમે જલ મહીં રમતો કરે છે, સાથે રહી રસિક દંપતીઓ તરે છે; વાળા તણી અતિ મનોહર ગંધ વ્યાપે, ઉદ્ધિગ્ન કેમ નરનારી જણાય તાપે?

અરે! આ કોમલાંગીએ કેવાં પાપ કર્યાં હશે! કર્યાં હોય, તથાપિ આ ક્રૂર શિક્ષાથી શું થશે?