પૃષ્ઠ:Purvalap1.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ફેરવી, પલટાવીને વનિતા રડતી હતી; બારીએ જલની ધારા જોરમાં પડતી હતી!

થોડી વારે ત્વરાથી પરિચિત ચરણો સીડીને સંભળાય, “આવ્યા છે હાશ!” એવાં વચન ઊચરતી દાદરા પાસ ધાય; માની, પ્રેમી, પ્રમાદી, અનિયમિત પતિ વાંકને કેમ જાણે? પોતાની ન્યૂનતા છે પ્રણય મહીં, કદી એમ ચિત્તે ન આણે!

“બહુ વાર થઈ!” એવું કહી માત્ર રહી ગયો; રમાહૃદયનો બંધ, હાય! તેથી વહી ગયો!

વદનકમલ મ્લાનતા ધરે છે, ઝળઝળિયાં નયનો જરા ભરે છે; પતિ પણ નીરખી હવે રહે છે; હૃદય દબાવી પછી પ્રિયા કહે છેઃ — “નજર નાથ! તમે કરતા નથી, પ્રબલ ખેદ થતો હરતા નથી; નહિ જરા દરકાર દીસે, અહો! અરર! વાંક થયો મુજ! શું, કહો!”

“આષાઢી કૃષ્ણ રાત્રિના બાર સુધ્ધાં થઈ ગયા; ન આવી આપને તોયે આવવા જેટલી દયા!”

નીચું જોયું તરત પતિએ, ભૂલને સ્પષ્ટ જોઈ, હૈયું ભીનું સદય બનતાં માનિતા સર્વ ખોઈ; ચાલી લે છે કર મહીં પ્રિયા, હાથમાં હાથ જોય, “દેવી! મારી થઈ કઠિનતા : છું ક્ષમાપાત્ર તોય!”