પૃષ્ઠ:Purvalap1.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૭. કલ્પના અને કસ્તૂરીમૃગ

“સુરસદન તણી જે વાડીઓમાં રમે છે, હૃદય થકી નિહાળી આપને જે નમે છે, પ્રમદવન તણઓ એ અપ્સરાનો જ સાથ, નમન સહ મને આ મોકલે, પ્રાણનાથ!”

આવ્યો હતો પરમ યોગ થકી પ્રસંગ, જામ્યો હતો સકલ વૃત્તિની માંહી રંગ : શબ્દો પડયા ઉપર અમૃતધાર જેવા, તાજા થયા હૃદય સાથ તરંગ તેવા!

માથું ઊંચું કરી નયનને સ્વલ્પ ઊંચું કરું છું, જોવા જેવું નીરખી મનને હું સુધાથી ભરું છું; અંગે અંગે ખૂબી નીરખીને આંખ તો જાય ચોટી, સાચું માને નહિ હૃદય ને વાત દેખાય ખોટી!

એક અદ્ભુત વસ્ત્રોમાં અપ્સરા નજરે પડે; વૃત્તિઓ થાય છે મૂઢ મુગ્ધાની મોહની વડે.

અધર મધુર તેનો જોઉં પામે વિકાસ, વિવિધ કુસુમની ત્યાં નીકળે છે સુવાસ; મુજ નયનની સાથે યોગ્ય જોડું રચાય, ખબર નહિ પડે, ને કીકીઓથી નચાય!

હૈયાંના હોજમાંથી આ શું પાણી છલકાય છે? પ્રેમ છે, એ નહીં બીજું, પ્રતીતિ એમ થાય છે.