૧[૧]
નીલો કમલરંગ વીંઝણો હો નંદલાલ !
રઢિયાળો રતન જડાવ, મોરા નંદલાલ !
બ્રહ્મા વીંઝે બ્રહ્મ વીંઝણો હો નંદલાલ
- [નાની બાળકી હાથપગ હલાવી નૃત્ય કરે છે તે જોઈ ત્રીજી યુવતી જાતે જ અત્યંત ખુશ થઈ તાળી પાડી ઊઠે છે.]
ત્રીજી યુવતી : જોયું ને ?
ચોથી યુવતી : આને જ અભિનય કહેવો હોય તો ઊડતી ચકલીને જ ગરબામાં રાખો ને !
ત્રીજી યુવતી : ( સ્વગત ) બળી મારી અદેખાઈથી !
ચંદા : પણ આમાં ઝઘડો શો છે એ તો સમજાયું નહિ...
વીજળી : ઝઘડો તે કદી સમજાય ? પેલું તમે રોજ વાંચો છો એના જેવું ! અંગ્રેજો યે ન્યાય ખાતર લડે છે અને જર્મનો યે ન્યાય ખાતર લડે છે. અમેરિકાની સચ્ચાઈ એટલે આખી દુનિયા ગીરો, અને રશિયાની સચ્ચાઈ એટલે આખા એશિયા ઉપર ચીલઝપટ; બધા ય ઝઘડા ન્યાય અને સત માટેના ! એનું એ અહીં !
ચંદા : આપણે એમ કરીએ તો ? આપણે મોટાં મોટાં બાજુએ રહો અને નાની બાળકીઓને ગાવા દો. બધાંની નાની બહેન અને મામામાશીની દીકરીઓ આવી જશે.
પહેલી યુવતી : એમાં તો લોકોને કાંઈ રસ નહિ પડે.
બીજી યુવતી : આખો કાર્યક્રમ બાલિશ બની જશે.
ત્રીજી યુવતી : ફરી કોઈ કૉન્સર્ટમાં આવશે જ નહિ.
ચોથી યુવતી : આપણે બંને રાખીએ ! મોટાંનો ગરબો ય ખરો અને નાનાંનો ગરબોય ખરો !
ચંદા : ( ધીમેથી વીજળીને) સહુને ગીત ગવડાવવું છે; ઝીલવું નથી.
- ↑ ૧ નાનાલાલ