લાગીશ. તારા કલામય લટકાની પાછળ જીવનની બદબો અને બદસૂરતી ડોકિયાં કરી રહી છે...સુખ નહિ, સુખનો નશો તું છે! તારી કલાની મને ભૂખ નથી...
કવિ : એમ ? મારું કલાસ્વરૂપ તને ન ગમ્યું? હું પુરુષ, કવિ, સર્જક, કેટલો પવિત્ર બની શકું છું તે બતાવું ?...જો...
[સાધુ પ્રગટ થાય છે. ]
સાધુ : સંયમ, તપ, યજ્ઞ, ધ્યાન, કીર્તન, પૂજન, જ્ઞાન, દાન, ભક્તિ, મુક્તિ...
ચંદા : આ માનવી શું ગોખી લાવ્યો છે? એકે પાછળ પ્રભુ તો છે નહિ ! ...વીજળી કહેતી હતી તેમ !
સાધુ : હું ધર્મ ગોખી લાવ્યો છું....ધર્મનો સાર.
ચંદા : અરે...આ તો વીજળી ઉપર આંખ ઠરાવતો હતો તે જ બ્રહ્મચારી !
સાધુ : બ્રહ્મચર્ય ગાર્હસ્થ્યને શોધે એ સ્વાભાવિક છે...બ્રહ્મચર્યનો જ એ અધિકાર...ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાનો અને સ્ત્રી શોધ્યા વગર એ આશ્રમ રચાય જ નહિ. એ જ સાચો ધર્મ ! માટે વીજળી ઉપર હું આંખ ઠરાવતો હતો.
ચંદા : ઢોંગ, સ્વાંગ, જડતા, ઝનૂન, તલવાર, ફાંસી, શૂળી, ક્રૉસ એ બધાં ધર્મ ચિહ્નો! ધર્મ ને નામે ધતિંગ રચનાર કોઈ પુરુષ સામે મારે જોવું નથી. એકે ય ધર્મે જગતમાં સુખ ઉમેર્યું નથી...
કવિ : તને કવિ ગમતો નથી, કલાકાર ગમતો નથી, ધર્મપ્રચારક ગમતો નથી! તું પણ અવનવી સ્ત્રી છે! તું માગે છે શું ?... ધનની તને પરવા નથી !... હાં હાં, હું વીર બની જાઉં !
[ એક શસ્ત્રસજ્જ સૈનિક પ્રગટ થાય છે. ]
સૈનિક : મારો કાપો ! ધસો ! બાળો ! હઠો !... અરે, આ કોણ રૂપાળી સ્ત્રી મારા માર્ગમાં ઊભી છે? ઘણા દેશો, ઘણાં નગરો