સાધુ : ( ચંદાને ) અન્નક્ષેત્ર માટેનું નાટક ગોઠવાઈ ગયું...આજ ભજવણી છે...પ્રમુખસ્થાન નક્કી છે...આ તમારી સખીને પણ...
વીજળી : સખી–સખામાં બહુ મન અને આંખ ન રાખવાં, બ્રહ્મચારીજી ! નાટકમાં તો ઠીક...એક શરતે આવીએ. નાટકમાં લડાઈ ન હોય, ઝઘડો ન હોય, શસ્ત્રઅસ્ત્ર ન હોય...
સાધુ : અરે, એ વગર તો નાટક શોભે જ નહિ...રચાય નહિ...પૂછો આ કવિને.
ચંદા : અમે બન્ને જણે નિશ્ચય કર્યો છે...પુરુષો સાથે અસહકારનો.
કવિ : કાંઈ કારણ ? પુરુષોનો કાંઈ દોષ ?
વીજળી : હા છે ! પુરુષો જેમાં તેમાં આગેવાન બની બેઠા છે. એમને કશું આવડતું નથી. એમને આગેવાનીમાંથી ઉથલાવી પાડવાના છે.
બ્રહ્મચારી : એ કેમ કરી શકશો તમે બે જ જણ?
ચંદા : જગતભરની સ્ત્રીઓને હું આદેશ આપવા નીકળું છું; જ્યાં સુધી ચતુર્વિધ મુક્તિ ન મળે ત્યાં સુધી પુરુષક્ષરિત વ્યવસ્થાનો અસ્વીકાર અને પુરુષમાત્રનો અસહકાર.
કવિ : આ વળી નવી ઘેલછા...પુરુષ વગર કોઈ સ્ત્રીને ચાલ્યું છે?
વીજળી : પૂછો જરા પુરુષને...સ્ત્રી વગર એને કદી ચાલ્યું છે? સ્ત્રી છે માટે જ માનવીમાં સંસ્કાર છે, માનવતા છે.
કવિ : પુરુષ નહિ માને તો?
ચદા : તો સંહારમાં કેન્દ્રિત થતી માનવજાત નાશ પામશે. સંહાર શોધતી માનવજાત સ્ત્રીઓને હવે ન ખપે. સ્ત્રીઓને ચંડી બનતાં નહિ આવડે એમ ન માનશો.
વીજળી : અરે બહેન ! એમ થાય એવો સંભવ જ નથી શક્તિનું વરદાન છે કે પુરુષ સ્ત્રી સામે કદી થઈ શકે જ નહિ...મારા સ્વપ્નામાં એ મેં જોયું.
કવિ : શું જોયું સ્વપ્નામાં ?