પ્રાણપુરાણ પપૈયો ઝંખે
દેહતણા અણુ અણુ ને ડંખે,
યુગલ રાસમાં આવી સમાવે
યૌવનભરની પ્યાસ...નર્તન૦
- [રાસ પૂરો થતાં ક્ષણભર અંધકાર છવાય છે.રાસધારીઓ અદૃશ્ય થાય છે. યુવક અને યુવતીનાં ચર્મવસ્ત્ર અને હથિયાર પણ અદૃશ્ય થાય છે, અને તેને સ્થાને સુંદર વસ્ત્રો દેહ ઉપર આપોઆપ ધારણ થઈ ગયેલાં હોય છે. ]
રસેન્દુ : વસ્ત્ર પણ બદલાયાં, હૃદય પણ બદલાયું, અને આખી સૃષ્ટિ શૃંગારરૂપ ધારણ કરી ઊભેલી દેખાય છે. એ શું બન્યું ?
લીલા : હું પણ એ જ અનુભવું છું. હૃદયમાં કંઈક રસસંચાર થયો અને બન્ને આંખ પલટાઈ ગઈ. તને હું જડ, જંગલી ગણતી હતી ! એકાએક તું બહુ રૂપાળો લાગે છે, આંખને ગમે એવો...
રસેન્દુ : એટલે હૃદયને પણ ગમે એવો ખરો કે નહિ ?
લીલા : તું તારા હૃદયને પૂછી જો ને? પોતપોતાના હૃદય સાથે વાત કરીએ ! જો વળી !
રસેન્દુ : હૃદયમાં તારા સિવાય બીજું કશું વસતું જ નથી ! પ્રશ્ન માટે પણ હૃદયમાં જગા નથી.
લીલા : મારું હૃદય પણ તારાથી જ ઉભરાઈ રહેલું છે ! હવે ?
રસેન્દુ : આપણે જરા વધારે નજીક ન આવી શકીએ ?
લીલા : મારા પગ ઊપડતા નથી-આંખ પગ સામે ઢળી પડે છે--દેહમાં કંપ ઊપજે છે...તારા વિચારે !
રસેન્દુ : તો...હું આગળ ડગલું ભરું ? અને તારો હાથ પકડી લઉં ?
લીલા : તે...આમ પૂછી પૂછીને પગલાં ભરાતાં હશે, ખરું?...પ્રેમમાં ? તારી સામે વળી કોણ જુએ !