કોઈ પણ ગહનતાનું ભાન કરાવતું સ્થળ, જેમાં પુષ્પો ઊગી બગીચો ખીલી નીકળે એવું.
નાનકડું ચંડીમંદિર ઢંકાયલું અગર વગર ઢંકાયલું એક સ્થળે ઊભું રાખવું, જેનો ઉપયોગ નાટિકામાં દર્શાવેલા પ્રસંગે કરવાનો છે.
ચંદ્રનો પ્રકાશ ઝીલતી પૂર્ણિમા, અને ગ્રીષ્મનો મધ્યાહ્ન બન્ને યોગ્ય સમયે બતાવવાં.
કલ્પનાને રરંગભૂમિ ઉપર જીવંત બતાવવા જેટલી સામગ્રી ઉપયોગમાં લેવાય એટલી આ નાટિકામાં લઈ શકાય એમ છે.
પૃથ્વી, ચંદ્ર અને પુષ્પો સરખાં પાત્ર Symbolic–સંકેત-રૂપ છે એટલે તેમને ઓળખી શકાય એવી ઢબે શણગારવાં પડશે
નાટિકામાં પ્રકાશ-છાયાનો બને એટલો વધારે ઉપયાગ કરી શકાશે.
અગમ્યનું અને ચંડીનુ દર્શન ખાસ પડદાની યોજના માગે ખરું. આ એકઅંકી નાટિકાનો મુખ્ય પડદો ખુલ્લો જ રહે છે. અંદર બીજા એક-બે પડદાની જરૂર લાગે તો તે યોજવા. અગમ્યનું મૂર્ત સ્વરૂપ માત્ર બે ચમકતી કૃત્રિમ આંખો પડદા ઉપર દેખાડવાથી ઊપજી શકશે.
જેવી સગવડ તેવી રંગભૂમિ : જેવી રંગભૂમિ તેવી સગવડ : એ સૂત્ર ગમે તે નાટકને ગમે ત્યાં ભજવવા યોગ્ય બનાવી દે છે.
પુષ્પોના પ્રાગટ્ય સમયે રંગભૂમિ અને શ્રોતાવર્ગની બેઠકોમાં કોઈ સુવાસિત દ્રવ્ય ફેલાવવાની યોજના બને તો કરવી.