લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રસતરંગ:૧૨૫
 

લીલા પ્રેમનાટક કરતાં હતાં. મને હસવું આવ્યું અને આ આભાસને બોલાવ્યો ! હવે પંચાત એ પડી છે કે લીલા આ બેમાંથી કોની સાથે પ્રેમ કરે?

વીર : એ બેમાં જે વીર હોય તેની સાથે !...વીર કોણ છે એ નક્કી કરીએ...લો હાથમાં શસ્ત્ર...જે જીતે એ વીર !

રસેન્દુ : હું તૈયાર છું. આભાસ શસ્ત્ર પસંદ કરે...લાઠી, તલવાર, જમૈયો કે પિસ્તોલ.

આભાસ : હાં...હાં... હાં...શસ્ત્રોનાં નામ દઈ મને અહિંંસકને અભડાવો મા ! મારે સ્નાન અને ધ્યાન બન્ને કરવાં પડશે !.…અને મહેમાન હશે તો ઉપવાસ અને મૌન...વધારામાં !

રસેન્દુ : વગર શસ્ત્રે પણ યુદ્ધ થઈ શકશે ! કુસ્તી, વજ્રમુષ્ટિ, બોક્સિંગ.

આભાસ : હિંંસાનું નામ ન દો ! વિશ્વને વનવગડામાં ફેરવી નાખનાર, માનવીને ફાડી ખાનાર, પશુ બનાવનાર એ તત્ત્વ જેમ બને તેમ વહેલું નિર્મળ કરવા મેં કમર કસી છે.

પ્રમથ : હા હા ! કમર કસી રાખજે. તાકાત ત્યાંથી જ અદૃશ્ય થાય છે.

વીર : વીરત્વની પરીક્ષા માટે હિંસા જરૂરી નથી. રક્ષણ ન બનતી હોય એ હિંસા કોઈ પણ વીરને ખપે જ નહિ.

આભાસ : તો બીજી પરીક્ષા લો. નાહક મને વાગે કે આ રસેન્દુને વાગે ! અને એવા ઘવાયેલા બંનેમાંથી કોઈ પણ લીલાને ન ગમે તો પાછી પંચાત ને ?

પ્રમથ : કાંઈ હરકત નહિ. પ્રેમીઓની આ માનવ સૃષ્ટિમાં ખોટ નથી. પથ્થર જેટલા પ્રેમીઓ પગ તળે અથડાય છે...... હા... હા...પ્રેમ...પ્રેમીઓ...લીલા બીજા કૈંક પ્રેમીઓને શોધી શકશે.

વીર : નહિ! પ્રેમીઓ એમ ન શોધાય. વીરત્વ વગર પ્રેમ નહિ; અને વીરત્વને જરૂરી ગણાય આત્મભોગ......પ્રેયસીને ચરણે મસ્તક કાપી મૂકવા કોણ તૈયાર છે......બેમાંથી ?