પ્રમથ : શિયાળને એણે વરુ માની લીધેલું ! ઉંદરને એ કાલીનાગ માને છે.........
આભાસ : શિયાળને હાંકવા માટે બે પુરુષોની જરૂર હોય ? મેં સંતાઈને જોયું કે આ રસેન્દુમાં સહજ પણ બહાદુરી છે કે નહિ.
રૌદ્ર : પછી એ બહાદુરી દેખાઈ કે નહિ ?
આભાસ : ના રે! લીલાએ જ એક પથરો ફેંક્યો અને શિયાળ ભાગી ગયું !
રૌદ્ર : હું જાણતો જ હતો. લીલા ! આવા સારા આભાસને છોડી તું રસ સાથે કેમ રખડે છે?
આભાસ : હું એ જ સમજાવવા માટે આવ્યો. મેં લીલાને રોકી ન હોત તો અત્યારે ક્યાંનાં ક્યાં એ બંને ભાગી ગયાં હોત !
લીલા : મને તેં રાકી ? મને રોકવાનું સામર્થ્ય કોઈમાં નથી – સારા બ્રહ્માંડભરમાં !
રૌદ્ર : બસ છોકરી ! લવારો બંધ કર, અને આ આભાસ સાથે પાછી ફર.
લીલા : આભાસ સાથે ? નહિ, નહિ. એનામાં વીરત્વ તો છે જ નહિ !
પ્રમથ : પુરુષને–પુરુષની જાતને – વીરત્વ શું કરવું છે ? આભાસ તો કૈંક વીરોને ભાડે રાખી શકે એમ છે! વીરોનાં લશ્કરોને !
આભાસ : હા હા, જરૂર. રક્ષકો રાખનારને તો વીરત્વ પણ ભાડે મળે ! આખી દુનિયાના વીરત્વને હું ખરીદી શકું...ભાડે રાખી શકું.…અરે વેચાતું...
રસેન્દુ : ( ધીમેથી ) પ્રેમ ભાડે ન મળે !
આભાસ : ( ધીમેધી ) અરે પ્રેમ શું, પ્રેમનો બાપ પણ ભાડે મળે !
લીલા : વીરત્વને પૈસે વટાવતો પુરુષ મારે ન જોઈએ !
રૌદ્ર : મારી આજ્ઞાનો પણ વિરોધ ?
લીલા : માત્ર એક જ પ્રસંગમાં..........