શૃંગાર : આ રસેન્દુ અને લીલા !..........
શમ : રસ એટલે જ હૃદયની એકાગ્રતા ! પરમ પવિત્ર ભાન ! વિશુદ્ધ આનંદ !
લીલા : પણ...મુનિરાજ !... રસ હસાવે છે, રડાવે છે, ભય પમાડે છે...
રસેન્દુ : યુદ્ધે ચડાવે છે, આશ્ચર્ય મગ્ન કરી દે છે, ભોગ માગે છે, તિરસ્કાર ઉપજાવે છે અને જીવનને ચકડોળે ચડાવે છે ! માનવી થાકી જાય છે. આ ચક્રમાં !
શમ : જીવનનુ એ મંથન ! એમાંથી મળતી શાંતિ એ રસામૃત !
પ્રમથ : પરન્તુ આ આભાસ રસને ડહોળી નાખે છે! એને અદૃશ્ય કરો તો જગતનાં રસિકરસિકા સુખી થાય અને રસ વિશુદ્ધ બને !.......
શમ : આભાસ નહિ હોય, ભ્રમ નહિ હોય, ભુલભુલામણી નહિ હોય તો રસપરીક્ષા સાચી નહિ નીવડે. આભાસ ! સર્વ રસમાં ભ્રમ ઉપજાવી અંતે તું મારામાં સમાઈ જા ! અહીં આભાસ પણ સત્યનું જ પડ બની રહે છે! રસેન્દુ, લીલા ! રસના તોરણમાંથી, રસના મેઘધનુષ્યની કમાન વચ્ચે થઈ, આવો મારી પરમ શાંતિમાં ! મારું વરદાન છે રસને ! રસિકોને ! માનવ હૃદયને! માનવતાને ! અસત્યને પણ સત્ય હૃદય સરસું ચાંપે ! ક્ષમા અપરાધને આલિંગન આપે ! હાથ પ્રસારી પુણ્ય પાપને ભેટી પડે ! ત્યારે માનવીને સાચો રસાનંદ–બ્રહ્માનંદ પ્રાપ્ત થાય. એ જ રસસમાધિ! એ જ રસતરંગ !
- [ મેઘધનુષ્યનું તોરણ રચાય છે. રસેન્દુ અને લીલા શમને પગે પડે છે. પુષ્પવૃષ્ટિ થાય છે અને શાંતિવાચક ગીત સહ દૃશ્ય સમેટાય છે. હિર ઓમ્ ! હરિ ઓમ્ ! ]