દૃશ્ય છઠ્ઠું
થોડા અંગ્રેજ મુત્સદ્દીઓ વિચાર કરતા દેખાય છે. એમાં એકાદ હિન્દી પણ છે.
ધ્વનિમંડળ ૬
૧ : મુત્સદ્દીઓ, બ્રિટનના અને હિંદના ! કાંઈ કરો. હવે હિંદનો કનકવો ગિન્નાઈ રહ્યો છે, ગોથાં ખાઇ રહ્યો છે. હાથમાં નહિ રહે. એક પાસ ગાંધીને શેહ પૂરો. અને બીજી પાસ મુસ્લિમ લીગને ! પછી એવા પેચ લડાવો કે ગાંધીનો પગ જ લપસે ! અરે મુસ્લિમોના પણ...
૨ : હા, હા, જલદી કાંઈ કરો. હજી સાધન છે. હિંદુ, મુસલમાન, હરિજન, શીખ, આદિવાસી, બ્રાહ્મણ, દ્રવિડ, ખ્રિસ્તી : એવા એવા ભૂતભડાકા જલદી સળગાવવો નહિ તો... આભ ફાટ્યું છે હવે !
૩ : પેલા હિરજનોને તો ગાંધીએ ક્યારના અપનાવી લીધા છે... છતાં એ પણ કામ લાગશે. ગોળમેજી પરિષદ ભરીએ. અને હિંદી પ્રજાનાં સર્વ તત્ત્વો અને ઘટકોને ભેગાં કરીએ... હા ....હા... દેવતા અને દારૂ! જુઓ પછી ઊડતી આતશબાજી ! ગાંધીવાદીઓ અને રડ્યાખડ્યા મુસ્લિમો ભલે પછી એકતાનાં ગીત ગાય ! એ મેળ મળવાનો જ નહિ... દેડકાંની પાંચશેરી ! એ જ ઠીક છે.