આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દૃશ્ય આઠમું
કવાયત કરતી ટુકડી.
ધ્વનિમંડળ ૮
- [ડંકા અને રણભરી વાગે છે. એમાંથી એક યુદ્ધ સંગીત જાગે છે. ]
પ્રલયના વાગી રહ્યા ભણકાર !
ખખડતા ખડગ તણા ખણકાર !
જાગ્યા ભૈરવ જાગી જોગણી
જાગી ત્રિપુરની આંખ;
મોત જાગ્યું. પૃથ્વી પાતળે
ઊઠે પવનની પાંખ......પ્રલયના૦
ધર્મ ધખ્યો ! માનવતા સળગી !
ભૂત પ્રેતના જાગ;
રાષ્ટ્રવાદ રાક્ષસ બની બાળે
મહા શયતાની આગ......પ્રલયના૦
૧ : એ યુદ્ધને–અરે કોઈ પણ હિંસક યુદ્ધને હિંદનો સાથ ન હો ! માનવીની બુદ્ધિ, સંસ્કૃતિ, અરે માનવતા શું એવી મરી ગઈ છે કે આમ રુધિરના નાયગરા વહાવવા પડે.
૨ : કોણ ઉચ્ચારે છે એ શબ્દો ? યુદ્ધમાં જે સાથ નહિ આપે તે સરકારનો સાથીદાર નહિ ! એ રાજદ્રોહી !
૩ : એ શબ્દો ઉચ્ચારે છે. અમારા મહાત્મા ગાંધી ! માનવતાને હિંસા ન ખપે, જુઠ્ઠાણું ન ખપે, સ્વાર્થ ન ખપે... ગમે તે સરકાર હોય તો ય !