આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુષ્પોની સૃષ્ટિમાં:૭
અગમ્ય : શ્રમ એટલે જ તપ. અને તપને કશું જ અસાઘ્ય નથી.
પૃથ્વી : મારા તપે શું સાધ્ય કર્યું ? નિષ્ફળ નાચ્યા જ કરું છું.
અગમ્ય : માગ, માગ ! જે માગે તે આપું. તારે શું જોઈએ ? મારા ભંડાર ભરપૂર છે, અખૂટ છે.
પૃથ્વી : મને સમજાતું નથી કે મારે શું જોઈએ. પણ કાંઈ નિત્ય નવું નવું જોઈએ. હે અગમ્ય ! જુઓ ને, આકાશને આપે કેવું શોભાયમાન કર્યું છે ? તેજ તેજનાં બિંદુઓ ! તેજતેજનાં સાથિયા ! તેજ તેજનાં તોરણો ! તેજ તેજભરી નિહારિકાની નદીઓ ! પણ એ બધાં ય મૂક. આંખને ઝળકાવતા તેજ સિવાય એમની પાસે કશું જ નહિ. મને કાંઈ એવું આપો જે બીજે ન હોય ! મને કાંઈ એવું આપો જે મારી આંખને ગમે અને મારા જડ પટને પ્રફુલ્લિત કરે, સુવાસિત કરે, પુષ્પિત કરે.
અગમ્ય : તથાસ્તુ !
[ અગમ્ય અદૃશ્ય થાય છે. અપૂર્વ સુવાસ
વ્યાપક બને છે. નાનકડા સરોવરમાં કમળ ખીલે
છે. કંદબનું વૃક્ષ ફૂલથી ઉભરાઈ જાય છે. બકુલ
અને પારિજાતમાંથી પુષ્પવૃષ્ટિ થાય છે. ગુલાબ
અને મોગરાના છોડ ઉપર પુષ્પો ચમકી રહે છે.
વેલી ઉપર જાઈ-જૂઈનાં પુષ્પ ઝૂલી રહે છે.
ચંપાકળી વિકસી પુષ્પ બને છે, કાંટા ઉપર કાંટા
સેરિયા, આંકડા અને થોર ઉપર પણ પુષ્પ.
જમીન ઉપરના ઘાસમાં પણ નાનાંમોટાં રંગીન
કે ધોળાં પુષ્પો વેરાયલાં છે.
પૃથ્વી એ સર્વ નિહાળી પ્રથમ મુગ્ધ બને છે;
ચંદ્ર શીત અવિકારી રહે છે. પછી પૃથ્વીમાં
સ્ફૂર્તિ આવી જાય છે. ]