આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮ : પુષ્પોની સૃષ્ટિમાં
પૃથ્વી : પરિમલનું જાણે સ્વર્ગ સરજાયું! નહિ નહિ, આંખે પણ સ્વર્ગસૃષ્ટિ જોઈ । એને શું કહું ? પરાગસૃષ્ટિ ? રંગસૃષ્ટિ ? પુષ્પસૃષ્ટિ કહું ? લાવ, એમની ઓળખાણ કરું.
[ કમળ પાસે જાય છે. કમળ માનવ બાલક
સ્વરૂપ ધરી પ્રત્યક્ષ થાય છે... પ્રત્યેક પુષ્પ
માનવમૂર્તિ ધારણ કરી વાતચીત કરે છે.]
- તારું નામ ?
કમળ : નામ જ કોઈનાં ન પાડશો ને! નામ એટલે ખીજ !
પૃથ્વી : તું તો બહુ રિસાળ, નામ વગર કેમ ચાલે ?
[ ગુલાબ પાસે જાય છે. ]
- તને શું કહું?
ગુલાબ : કાંઈ જ નહિ. નામ સાથે નાશ સર્જાશે તો?
પૃથ્વી : અપશુકનિયાળ ! આવા સૌંદર્ય સાથે નાશને યાદ કરાય ?
પારિજાત : નાશ કાંઈ અપશુકનિયાળ નથી. હું ખીલીશ, ફળીશ, ખરીશ – પાછળ મારી નિત્ય ખિલાવટ મૂકી જઈશ. નાશ પામતાં પામતાં તમે મને નિત્ય નિહાળશો. ઢગલે ને ઢગલે.
પૃથ્વી : પણ બધાંને ઓળખવાં તો પડે ને ?
[ચંપા પાસે અને એમ વિવિધ પુષ્પછોડ કે
વૃક્ષ પાસે જઈ વાતચીત કરે છે.]
- બોલ, તને શું કહીને બોલાવું? રંગ કહું?
ચંપો : અમને જુઓ, નિહાળો, ઓળખો. પછી જરૂર પડ્યે નામ આપજો. મને એકલો રંગ કહો એ મને ન ગમે.
બકુલ : એને રંગ કહેશો તો મને શું કહેશો ?
પૃથ્વી : તું તો જરા તીખી લાગે છે!
મોગરો : હું મિઠ્ઠો છું.
જૂઈ : એની તો ઘટ્ટ મીઠાશ; મારાસરખી મગતી–સમાતી–સોહાતી મીઠાશ નહિ. મીઠાશ પણ વધારે હોય તો વાગે.