કમળ : હા હા, એની આંખ મેં મારી પાંદડીમાં સંતાડી છે, અને એના હાથની હથેળી અને પાની પણ...
રાજન : તો તે સોંપી દે.
કમળ : ટુકડા ટુકડા કેમ સોંપાય ?
[ હસે છે. રાજન બીજા પુષ્પ પાસે જાય છે]
રાજન : ગુલાબ ! તને ગુલાબ કહું ? મારી રસભાવના તેં ક્યાં ઢાંકી દીધી?
ગુલાબ : એનો આખો રંગ મારી પાસે છે, અને એની કુમાશ પણ.
ચંપા : હું વાંધો ઉઠાવું છુ, એનો રંગ તો મારામાં ભળી ગયો.
[ચંપા પાસે જઈને ]
રાજન : તારું નામ ? તને ચંપક કહું?
ચમેલી : અને એની કુમાશ તો મારામાં છે, ગુલાબમાં નહિ !
રાજન : તને શું કહીને બોલાવું ? ચમેલી કહું ? તમે માગશો એ નામ તમને આપીશ. પણ એ સંતાડેલું સૌન્દર્ય મને પાછું સોંપો !
પારિજાત : મને તો કોઈ પૂછતું જ નથી !
રાજન : તું કોણ ? પારિજાત ! તારી સૌરભ મને ખોવાયેલી સુંદરી જરૂર આપશે. તારા સૌરભપુંજમાંથી જ સુંદરી પ્રગટેલી લાગે છે...
બકુલ : આવે તો ખરો લેવા! સુંદરી કાંઈ તારી નથી...
રાજન : મીઠી તીખાશભરી બોરસલી ! સુંદરીના અંશ તારામાં જરૂર છે! સુંદરી એ માનવીની સમૃદ્ધિ, માનવીનું સૌન્દર્ય, માનવીની ભાવના ! એને સંતાડવી અને પાછું પુરુષની નિઃસહાયતા ઉપર હસવું…! પુષ્પોને શોભશે?
કમળ : તું શું એકલો જ માનવી છે ?–પુરુષ છે? બીજાને એ ગમતી હોય તો ?
રાજન : હું રાજન, સત્તાશીલ છું. માગું તે મેળવી શકું છું…