[ માળા રાજનના ગળામાં ભેરવવા જાય છે.]
વીર : ( ઉગ્રતાથી ) એ નહિ બને ! કોઈને આપી દેવા એ માળા તને પહેરાવી નથી; તું જાતે પહેર.
સુંદરી : હું જાતે પહેરું અને તારી જ આંખનું રમકડું બનું, ખરું ? એ શરતી ભેટ છે. શરતી ભેટ એટલે જ બદલો. નહિ જોઈએ તારી માળા ! સુમન, સૌરભ અને સુંદરી વેચાતાં નહિ મળે, બદલામાં નહિ મળે, શરતોમાં નહિ મળે ! વેચાતાં મળે એ સુમન નહિ, સૌરભ નહિ, સુંદરી નહિ, સૌંદર્યના એ કાળા પડછાયા !
[ માળા ફેંકી દે છે. ધનપાળ બન્ને માળા ઉઠાવી લે છે ]
ધનપાળ : ( સ્વગત ) હું બે માળાનો માલિક બન્યો...એક પણ માળા ગૂંથ્યા વગર. માટે જ હું ધનપાળ ને?
રાજન : અરે ધનપાળ ! અમારી માળા તું શા માટે ઉઠાવી લે છે?
ધનપાળ : રાજન ! હવે એ તારી માળા ક્યાંથી ? તેં તો સુંદરીને આપી દીધી...હવે એ તારી રહી નહિ.
સુંદરી : મારી તો છે ને? મને આપેલી માટે...
ધનપાળ : લે ! તેં તો ફેંકી દીધી ! હવે ફેંકી દીધી પછી માળા તારી ક્યાંથી રહી ?
વીર : ભલે અમે માળા આપી દીધી અને સુંદરીએ ફેંકી દીધી. તારું એમાં શું લાગે ? તું કેમ માળાનો માલિક થાય છે ?
ધનપાળ : તમે માલિક મટી ગયા માટે! ( સ્વગત ) બે મૂર્ખની મહેનત ભેગી કરી હું સાચવું એમાં કોઈને શું ? ( પ્રકાશ ) જુઓ, રસ્તે પડેલી ચીજ મેં લીધી – તમારી મટી ગયેલી ચીજ લીધી. હું તો ધૂળમાં રગદોળાતાં પુષ્પોને લઈ સાચવી ઊભો છું. સુંદરી હા પાડે તો હું બન્ને માળા એને પહેરાવી