લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુષ્પોની સૃષ્ટિમાં:૩૫
 

સમજી લે કે તારી સત્તા તો તારા વિજયદિનથી જ ઓસરી ગઈ છે.

રાજન : તો તું સત્તા લઈ કેમ લેતો નથી ? સહી કરી નાખ.

વીર : માનવજાતમાં એકાદ વીર પણ પૈસાથી વેચાતો મળતો નથી એટલું સાબિત કરવા ! બદલો મળ્યા વગરની સત્તા મળશે ત્યારે હું સત્તા ઉપર હોઈશ. આજ નહિ !

ધનપાળ : તારા સરખા કંઈક વીર મારી પાસે વેચાઈ ચૂક્યા છે, વીર ! તારા વગર ચાલશે.

વીર : ધનપાળ ! સમજી લે, જો જરા આંખ ખોલ. તારી પુષ્પસૃષ્ટિમાં દાવાનળ પ્રગટ્યો છે !... કોઈ કોઈ વાર અગ્નિ વેચાતો ન મળે...તને અને તારી ખરીદેલી સૃષ્ટિને મફત મળ્યો છે...

[આછો આછો અગ્નિ દેખાય છે. ]

ધનપાળ : એવા કંઈક દાવાનળ હોલવી નાખ્યા!

વીર : પણ એ ધનની વૃષ્ટિથી નહિ! બદલો માગતું વીરત્વ, બદલો માગતું સૌન્દર્ય, બદલો માગતી સેવા અને બદલો માગતું ધન શાપરૂપ છે...યાદ રાખ જ તને અને તારી સૃષ્ટિને બાળી નાખશે.

ધનપાળ : શાપનો મને ભય નથી.

વીર : જરા આંખ ખોલ ! તારી આસપાસ જો ! આ પુષ્પસૃષ્ટિ સૂકાઈ ચાલી ! એના ઉપર અગ્નિ વરસે છે!

[અગ્નિ પ્રજળતો દેખાય છે. ]

પુષ્પસૃષ્ટિએ તારી જોડે અસહકાર આદર્યો છે અને તારા ધનને પણ નિરર્થક બનાવ્યું છે ! એકે પુષ્પ ખીલતું નથી, એકે પર્ણ લીલું નથી. અને...અને સાંભળ ! તારે હાટે તાળાં વસાય છે તે !

[ તાળાંસાંકળ વસાતાં સંભળાય છે. ]

ધનપાળ : મારે હાટે તાળાં ? હું દાવો કરીશ, ‘બેલિફ’ લાવીશ, જપ્તી કરીશ, આખી પુષ્પસૃષ્ટિની હું હરાજી બોલાવીશ...પુષ્પસૃષ્ટિનો અસહકાર હું નહિં સાંખી લઉં!