સુંદરી : કેમ એમ ? જરા કુમળાશ રાખો !
ગુલાબ : જોતી નથી ? અમને કચેરીને એ માનવી ગુલાબજળ બનાવે છે
ચમેલી : અને એટલેથી સરતું નથી ! વળી પાછું અમને કચરી અત્તર કાઢે છે!
મોગરો : ત્યાં સુધી તો ઠીક. પણ અમને વેચવા કાઢે છે એ વેઠાતું નથી.
ચંપો : બદલો માગતા માનવીના જગતમાં અમારે જીવવું નથી.
જૂઈ : પુષ્પો તો વહેંચાય, વેચાય નહિ !
સુંદરી : તમે બધાં ય પાછાં આવો! અમારી માનવજાતને શીખવો કે માત્ર પુષ્પ જ નહિ પણ કશું ય વેચાય નહિં, સઘળું વહેંચાય.
ધનપાળ : જરૂર, જરૂર, વહેંચવાની વ્યથા હું માથે લઈશ. નફાના ટકા ઘટાડીશું. કહેશો તો નુકસાન ભરપાઈ કરી આપીશ.
બકુલ : નુકસાન તો ઠીક. પણ આ ગ્રીષ્મને જરા ટાઢી પાડવા લાગો ! નહિ તો અમારી સાથે તમને પણ એ બાળી જ નાખવા આવે છે!
ધનપાળ : ખરેખર ! આ ગ્રીષ્મ સહુને ભસ્મ કરવા બેઠી છે! ઉત્તરધ્રુવ કે દક્ષિણધ્રુવના બરફમાં આ ગ્રીષ્મ જાય તો એની કેટલી કિંમત વધે?
- [ સહુ કડક આંખે ધનપાળ તરફ જુએ છે.]
- ભૂલ્યો...કિંમત નહિ...પેલી બદલો માગતી કિંમત નહિં. એને શું કહીશું?
સુંદરી : ગ્રીષ્મ ટાઢી કેમ પડે ? અમારા કૂવા, તળાવ અને નદીઓ પણ સુકાઈ ચાલ્યાં !