લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલખી વાવ
 



વસ્તુ

વડોદરાના લક્ષ્મીવિલાસ રાજમહેલના બગીયાને એક છેડે આવેલા પ્રાચીન સ્થાપત્યના નમૂના સરખી નવલખી વાવના દર્શને આ નાટિકા સ્ફૂરી.

એ વાવમાં બે લેખ છે : એક ફારસીમાં અને બીજો નાનો સરખો બ્રાહ્મીમાં. ફારસી લેખમાં ગુજરાતના સૂબાએ નવાણોની દુરસ્તી કરાવવા સ્થાનિક અધિકારીઓ દ્વારા કરેલી તજવીજ અંગે નવલખી વાવની દુરસ્તી કરાવનાર નથ્થુ ઠાકોરનો ઉલ્લેખ કરેલો છે. ગુજરાતનો સૂબો ઝફર પછીથી મુઝફ્ફરશાહ તરીકે ગુજરાતનો પ્રથમ સુલતાન બન્યો હતો.

બ્રાહ્મી લિપિમાં તો માત્ર ત્રણ જ અક્ષરો–સુરાજ-વંચાયા છે, જે શોધકોએ નન્ના કલચુરીની રાણી દદા તથા તેના જમાઈ સૂર્યરાજ સાથે સાંકળી લેવા પ્રયત્ન કર્યો છે.

એટલો ઇતિહાસ-પડછાયો.

એમાંથી આ નાટિકાનું વસ્તુ મેળવ્યું. વાવસ્થાપત્ય એ ગુજરાતની વિશિષ્ઠતા. એના ઉપર અનેક કલાશૃંગારો રચાયલા છે. વડોદરાની નવલખી વાવ વડોદરાના લક્ષ્મીવિલાસ રાજમહેલના બગીચામાં હજી ઊભી છે. એની પાસે જ વડોદરા શહેરનું વિદ્યુત-કારખાનું પણ આવેલું છે. આજથી તેરસો પચાસેક વર્ષ ઉપર–સાતમી સદીમાં – થઈ ગયેલા નન્ના કલચુરીના જમાઈ સૂર્યરાજે મૂળ આ વાવ બંધાવી, જે ઈ. સ. ૧૪૦૫માં નસીરૂદ્દૌલા-વાજુદ્દીન અમીર નથ્થુ ઠાકોરે દુરસ્ત કરાવી અને આમ અનેક અનાવૃષ્ટિનાં વર્ષોમાં વાવ ઉપયોગી થઈ પડી.

વાવ-સ્થાપત્યના શોખીન મુસાફરને નવલખી વાવમાં ઊતરતાં જ નવલખી વાવની અધિષ્ઠાત્રી દેવી મળે છે, એ મુઝફ્ફરશાહને તેમ જ સુર્યરાજને પ્રગટ કરે છે અને મુસાફરની દૃષ્ટિએ અનેક સદીઓને આ વાવ દ્વારા જોડે છે. આ નાટિકાનું એ મુખ્ય વસ્તુ.