લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દૃશ્ય

[ મુસાફર પ્રવેશ કરે છે.]

મુસાફર : આ જ નવલખી વાવ! રસાળ ગુર્જરી ભૂમિ પાણી ઉપર પણ મંદિરો રચે છે. કૂવા વગરનું ગુજરાતમાં એક ગામ ન હોય. અને કૂવાની બહેન વાવ ! એને તો પૂર્ણ શણગાર જ જોઈએ. ગુજરાતના સ્થાપત્યસૌંદર્યમાં વાવને ન ભૂલાય. સ્થળે સ્થળે, માર્ગે માર્ગે રાજવીઓ, મહાજનો, વણઝારાઓ વાવની હારમાળા ઊભી કરતા જ ચાલે ! રાણકી વાવ જોઈ ....... અને અડાલજની વાવ? વાહ, વાહ ! ગુજરાતનાં સ્થાપત્યસૌંદર્ય જોવાં હોય તો અડાલજની વાવ ન જ વિસરાય...અને આ જોવા આવ્યો છું એ વડોદરાની નવલખી વાવ પણ ક્યાં ઓછી ભવ્ય અને સુંદર છે? અને બગીચો, વૃક્ષઘટા તથા ફૂલક્યારી તો ચારે પાસ છવાયાં છે ! શી ઠંડક અનુભવાય છે ! શ્રીમંત સયાજીરાવની યાદ આપતા ‘લક્ષ્મીવિલાસ’ના મિનાર વાવની એક બાજુએ ઝૂમે છે, બીજી પાસ વડોદરાને પ્રકાશ કરતું વિદ્યુતકેન્દ્ર પણ પોતાના સંચા ખખડાવે છે. લાવ, હું આ વિશાળ વાવનાં વિશાળ પગથિયાં ઊતરી વાવને નિહાળું !

[ અદૃશ્ય સ્ત્રીનો ગીતરણકો સંભળાય છે.]

[આઠ કૂવા ને નવ વાવડી રે લોલ !
સોળસેં પનીહારીની હાર !
મારા વ્હાલાજી હો !
હાવાં નહિ જાઉં મહી વેચવા રે લોલ !]