આપણે ત્યાં કંઠના ઉત્કૃષ્ટ અભિનેતાઓ છે ખરા ? એકાદ–અદીમર્ઝબાન જેવા–ને યાદ કરીએ તો ! હશે. નહિ હોય તો થશે.
ધ્વનિએ–ધ્વનિનકારે જ જ્યાં પાત્ર બનવાનું હોય ત્યાં પ્રસંગ પ્રમાણે, વસ્તુ પ્રમાણે, પાત્ર પ્રમાણે ધ્વનિફેરફારની આવડત અને સગવડ રાખવી જ જોઈએ. પરંતુ અંતે નભોવાણીમાં કંઠધ્વનિ જ મહત્ત્વ ધારણ કરે છે એ મૂળભૂત સિદ્ધાંત ન વિસરાય. રૂપાળા–આંખને પણ ગમે એવા–દેખાવની યુવતી જ નાયિકા બને એવો દૃશ્ય નાટકનો આગ્રહ નભોવાણીમાં નિરર્થક બને છે. કોઈ પણ યુવતી રૂપરહિત હોઈ શકે જ નહિ એ ધ્યાનમાં રાખીને પણ આપણે એટલું તો કહી શકીએ કે સુંદર, ઘટિત ધ્વનિવાળી, પ્રસંગને અનુરૂપ ઉચ્ચારણના આરોહઅવરોહની મરોડ સાચવે એવી કોઈ પણ યુવતી ધ્વનિપ્રભાવ વડે નાયિકા બની શકે – પછી ભલે રૂપની ક્રમગણતરીમાં તેના કરતાં બીજી યુવતી ચડિયાતી હોય !
પરંપરાગત નાટકનાં સ્વરૂપો પણ બદલાતાં જ રહે છે. ચિત્રપટમાં ‘ટેલિવિઝન’ પણ ભારે ફેરફાર કરવા તલપી રહ્યું છે. આકાશવાણીએ ધ્વનિ ઉપર ભાર મૂકી આપેલાં નાટ્યસ્વરૂપોનાં નામ હજી સ્થિરતા પામ્યાં નથી. રૂપક, સંગીતરૂપક, રેડિયોનાટિકા જેવાં કૈંક નામો ફેંકાયે જાય છે. હું પણ એક બે નામ ફેંકું : શ્રાવ્ય નાટક અગર નાટિકા કે ધ્વનિનાટિકા જેવાં નામ આપી શકાય? એ આકારોને જે નામ મળે તે ખરું. સ્પષ્ટ સ્વરૂપ અને સ્વચ્છ નામ હજી ન પામેલા સાહિત્ય આકારો અહીં તેમ જ પશ્ચિમમાં ઘડાયે જાય છે.
નૂતનત્વને આપણે આવકારવું જ પડશે...ન ગમે તો પણ.
ધ્વનિનાટિકાના મારા બે પ્રયોગો ‘નવલખી વાવ’ અને ‘હે રામ!’ આ સંગ્રહમાં મૂક્યાં છે તેનો એક જ ઉદ્દેશ. નાટ્યકલાને નવાં નવાં સ્વરૂપો મળે એવા અખતરા થઈ રહ્યા છે. નૃત્ય, મૂક