આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮:પુષ્પોની સૃષ્ટિમાં
પુરુષ : આપણે સરખી શોધમાં નીકળ્યાં. હું પણ એ જ શોધું છું. આકાશને પૂછું છું, પૃથ્વીને પ્રશ્ન કરું છું, પાતાળમાં પડઘા પાડું છું. અરે સુખ ક્યાં છે ? જીવનભર કરાર આપે એવું શાશ્વત સુખ શામાં છે?
સ્ત્રી : આજ સુધી આપણે જુદાં રહી શોધ કરી. આજથી ભેગી શોધ કરીએ તો કદાચ સુખ જડે પણ ખરું....જડે તો એ આપણું બન્નેનું... નહિ મારું કે નહિ તમારું.
- [રૂપિયાનો ખણખણાટ થાય છે, અને રૂપિયાનો ઢગલો બને છે. ]
- જુઓ, જુઓ, આ સુખનો ઢગલો તો નહિ હોય ?
- [બન્ને જણ દોડી ઢગલાને અડકતાં દાઝે છે.]
- સ...સ......આ તો અગ્નિના તણખા છે. હાથ લગાડતાં દાઝી જવાય છે.
પુરુષ : ( હાથ પંપાળતાં ) એટલું જ નહિ...એ ઢગલાની પાછળ વ્યાજ, વટાવ, યુક્તિ, લુચ્ચાઈ અને કંજુસાઈના રાક્ષસી મુખ મને દેખાય છે.
- [ વ્યાજ લેતાં, વટાવ લેતાં, દસ્તાવેજ કરાવી લેતાં, પૈસાને હૃદય સાથે દાબી રાખતાં માનવીઓ અને તેમના ભોગ થઈ પડના શોષિતોનાં દૃશ્ય નજરે પડે છે. ]
- ધનમાં સુખ નથી દેખાતું. ધનનો સ્પર્શ દેહને અને આત્માને બાળી નાખે છે; ધનમાં સુખ આપવાની શક્તિ ન હોય તો હે અંતરિક્ષ ! બીજી કોઈ શક્તિ ઉપજાવ.
- [ આકાશમાંથી રાજદંડ અને રાજમુકુટ ઊતરે છે ]
સ્ત્રી : જુઓ, જુઓ, પેલું સુખ આવતું દેખાય છે! પકડી લઈએ?