આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦:પુષ્પોની સૃષ્ટિમાં
ચિંતા, ખંજર અને ઝેરના પ્યાલા નિહાળી રહ્યો છું! આ શું ધર્મશક્તિ ? ન જોઈએ.
- [ ક્રૉસ, ચિંતા, ખંજર અને ઝેરકટોરા ઊપસી આવે છે. ]
સ્ત્રી : મેં તો દેવદાસી જોઈ, શિષ્યોની લક્ષ્મી અને લલના લૂંટતા ગુરુ જોયા અને શસ્ત્રોને આશીર્વાદ આપતા પાદરીને નિહાળ્યા.
- [ જે તે દૃશ્ય રચાય છે. ]
- સુખ ત્યાં નથી જ.
પુરુષ : ન ધર્મમાં, ન ધનમાં, ન સત્તામાં સુખ! ત્યારે સુખ હશે ક્યાં ? એને હવે ક્યાં શોધવું ? ક્યાંથી મેળવવું ?
- [ કંગાલોનું ટોળું દેખાય છે, અને તેનું ગાન સંભળાય છે ]
કંગાલો :
સૂરજનાં તેજ મીચાયાં આજ
વહી રહ્યાં અંધારાં;
સરસરિતાનાં જળ ખૂટ્યાં આજ,
રહ્યાં સહ્યાં જળ ખારાં...સૂરજનાં૦
પુરુષ : જગતની આ કંગાલિયત !
- [ કંગાલોનુ ટોળું ગાતાં ગાતાં અદૃશ્ય થાય છે.]
સ્ત્રી : પ્રભુ પોઢી જાય ત્યારે સુખ ક્યાં શોધવું ?
- [ વાતાવરણમાંથી ગાતાં ગાતાં દેવકન્યાઓ આવે છે. ]
૧[૧]
મલયજ સમીરણ લહર લહર
લહેકંતી મહેકે,
- ↑ ખમાચ