લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શક્તિસંભવ:૭૧
 

મહેકી મધુર દૂર—
સરલ શી તરલ સરિતસર છલકે
ચંદા રીમઝીમ લસંતી લટકે
મલયજ સમીરણ લહર લહર
લહેંકતી મહેકે.
ભૂમિતલ નાચત અણુઅણુ નટવર
આંખ આંજી અમ અંજન ચટકે
મલય સમીરણ લહર લહર
લહેંકતી મહેકે.

[ દેવકન્યાઓ જાય છે. ]

સ્ત્રી: દેવવાણી સાંભળી ?

પુરુષ : હાં, સુખનો લય સૂરસૃષ્ટિમાં છે ખરો. માનવહૈયે સુખ દૃષ્ટિનાં કાંઈ અંજન ઢાંક્યાં દેખાયાં. હૈયાં કેમ ઉઘાડવાં ?

સ્ત્રી : બીજી રીત ન આવડે તો આપણાં હૈયાં તોડીને-ફોડીને-ચીરીને પણ ઉઘાડવાં જ રહ્યાં.

પુરુષ : ચાલ ત્યારે. હૈયાંને ચીરીને પણ ઉઘાડીએ અને માનવતાનું અંજન આંજીએ. એ અંજન આંજ્યે જરૂર માનવતાને મુક્ત કરતી, સુખ સર્જતી શક્તિનાં દર્શન થશે જ થશે.

સ્ત્રી : પણ એ અંજન આંજતાં તને આવડશે ? તારે પગલે ચાલતી માનવતાએ તો ધર્મધતિંગ, સત્તાનાં વિષ અને ધનના નાગપાશ ઉપજાવ્યા...જોતો નથી આપણને દઝાડનારી, ચમકાવનારી વસ્તુઓ તારી જ દોરવણીનું પરિણામ છે તે ?

પુરુષ : એ તું સાચું કહે છે?

સ્ત્રી : ઇતિહાસ જો...

પુરુષ : સાચું; અમે પુરુષો સુખ સર્જતી એ શક્તિની શોધમાં નિષ્ફળ નીવડ્યા છીએ. હજારો વર્ષની યાતના પછી એ કબૂલ કરવું વધારે સારું.