વીજળી : અરે શું, બહેન ! તમારી એ પરિ અને તમારી એ સ્થિતિ ! દુનિયા એક બનવા પહેલાં માનવી મરી ન પરવારે એ જરા જોજો...
ચંદા : માનવી મરે, પણ માનવજાત નહિ.
[ ઘંટડી વાગે છે. ]
- જો ને, કોણ આવ્યું ?
- [વીજળી બહાર જાય છે અને બહારથી બે યુવતીઓને લઈ આવે છે.]
- પધારો પધારો, બહેન ! ક્યાંથી અત્યારે ?
પહેલી યુવતી : બિજાપુર દુષ્કાળ માટે આપણે એક રંજનકાર્યક્રમ ગોઠવ્યો છે. આપને આમંત્રણ તો મોકલ્યું છે. પરંતુ...તમે માથે નહિ લો તો કાંઈ બનવાનું નથી.
ચંદા : પણ તમે બધાં છો ને? હું કેટલા કાર્યક્રમોમાં આવું ?
બીજી યુવતી : અમે બધાં ય ખરાં, પણ તમારા વગર ડગલું આગળ ચલાશે નહિ. સંસ્થા તમારી જ છે...અમે તો કામ કરનારાં...
ચંદા : સારું બહેન ! હું આવીશ...જો મારા વગર ન જ ચાલે એમ હોય તો.
- [ જરા મહત્ત્વ ચંદાના મુખ ઉપર દેખાય છે.]
વીજળી : બંગાળમાં તો, બહેન ! ભૂખમરો વાંચ્યો. આ બિજાપુરનો દુષ્કાળ પાછો કયો ?
પહેલી યુવતી : અરે, એટલે ક્યાં અટકે એમ છે? બિજાપુર પછી ઓરિસ્સાનો દુકાળ ! ઓરિસ્સા પછી બિહાર...મારવાડ...ગુજરાત...
વીજળી : ઓહોહો ! આપણે ત્યાં દુકાળની તો ખોટ જ નથી ! પણ એમાં તમે કરશો શું ...આપણું જમણ ઘટાડશો ? કે...