પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ બારમું

૯૦


આખા દેહથી નિરાળું પોતાનું એક રૂપ છે, શોભા છે, શણગાર છે, તેની એને જાણે ખબર જ નહોતી. એ બધાની ભીડાભીડમાં તો ન પેઠો, પણ લેપની કુંડીઓ કાંઇક નવરી પડી ત્યારે એણે પોતાના આંગળા ઝબોળવા હાથ લંબાવ્યો.

સુખડ ઘસતા માણસોમાંથી એકનું ધ્યાન જતાં એણે આ જુવાનનું કાંડું ઝાલ્યું. પૂછ્યું 'કેવાં છો ?'

જુવાનનો હાથ લબડી રહ્યો. એના આંગળા પરથી સુખડનાં લેપ-ટીપાં પાછાં કુંડીમાં ટપકી રહ્યા. ને એ નીચો વળેલો હોવાથી એના માથા પરના મોરપીચ્છનો ગુચ્છો પેલા હાથ પકડનારના કપાળ પર ઝૂલી રહ્યો.

'કેવાં છો ?' પરદેશી છો ? ક્યાંથી આવો છો ? પૂછ્યા ગાછ્યા વગર સુખડની કુંડીમાં હાથ કેમ બોળો છો ?'

'પણ ભાઈ, તમારો સવાલ શી બાબતનો છે ?' જુવાને છોભીલા પડયા છતાં હસતે હસતે કહ્યું : ' મારે આ સૌ કરે છે એમ કપાળે કરવું છે.'

'શું કરવું છે એ નામ પણ નથી આવડતું ને !' સુખડ ઘસનારે ટોંણો માર્યો : 'શુદ્ર જ હોવો જોઈએ.'

'તમે કેવા છો ?'

'અમે છીએ-દેવની સુખડ ઘસનારા છીએ છતાં ય જોતો નથી ? છે અમારે કપાળે ત્રિપુંડ ? અમેય કોળી છીએ.'

'હું ભીલ છું.'

'હાઉં ત્યારે. ત્રિપુંડ તાણવા જોગ તારૂં તાલકું નહિ ગાગા ! તારૂં નસીબ બહુ બહુ તો આ ચંદન ઘસવાનું.'