પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૧

સોમનાથના મંદિરમાં


એક કહીને એણે આ જુવાનનો હાથ ઝટકાવી બધું ચંદન પાછું લઇ લીધું.

રજપૂતોનું પણ એક ટોળું વળી ગયું. તેમણે વધુ પૂછપરછ કરીને વિશેષ ટોણા માર્યા;

'ભીલડાંને ય ભગવાન સોમનાથના પહેલા ખોળાના થઇ જવું છે. ભાઈ ! સૌ નીચ વર્ણો પણ ક્ષત્રિમાં ખપવું છે.'

'એ ભૂલી જાય છે કે આ સોમનાથજીને માટે લીલા માથા આપનાર વડવા તો અમારા હતા. આજ પણ દેવને ધૂપેલીઆંનાં ગામ અમારાં વડવાઓએ દીધેલ જ હાલ્યાં આવે છે.'

'વળી આવતી કાલ પણ મોકો આવશે તે દિ' અમારાં જ માથાના શ્રીફળ આંહી ચડવાના છે.'

'હાલી મળ્યા છે જુવોને હવે આ તીરકામઠાંવાળા ને ઘો તેતર મારી ખાનારા અનાર્યો.'

આ મેણાં ટોંણાની સામે જવાબ વાળવા માટે તલપાપડ થતી જીભ જુવાનના મોંમાં સમાતી નહોતી. એ બોલતો બોલતો 'મારા બાપુ -' એટલું જ ઉચ્ચારે છે ત્યાં એની માએ આવીને એના મો ઉપર હાથ મૂકી દીધા. એને બથમાં લઇ ત્યાંથી ખસેડી ગઈ. એની પાછળ શબ્દો સંભળાયા.

'તાણવું'તું ગગાને ત્રિપુંડ !'

એ શબ્દોનો જવાબ વાળવા પાછો ફરવા મથતો જુવાન માતાના હાથની ઝાકડમાંથી છૂટી ના શક્યો.

એ પછવાડે કતરાતો રહ્યો. કાળી રાતે પણ જંગલમાં ઝગારા મારનારી એ રાતીચોળ ભીલ-ચક્ષુઓ પોતાનું અપમાન કરનારાઓ તરફ ઘૂમીને