પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ બારમું

૯૨


પછી સામે ઊભેલા સોમનાથ-મંદિરના પડથારથી જોવું શરૂ કરી છેક ઉપર ટોચ સુધી ચાલી. પણ ટોચે એણે શુ જોયું ! એણે જોયું મોયલા ભાગના મથાળ પરનું શંકુ આકારનું શિખર તૂટેલું હતું. એ શિખરના પથ્થરો ઢગલાબંધ નીચે પડયા હતા. એ જ રીતે એણે દીઠું-ગર્ભદ્વારના સુવિશાળ ઘૂમટનું ગગન-અડકતું શંકુ-શિખર પણ જાણે કાળની સમશેરના એક ઝાટકે મસ્તક જવું ઉડી ગયેલું હતું. નીચે એ બધા ટુકડા પડયા હતા.

ભીલ-પુત્ર તાજો જ વનરાઇમાંથી આવતો હતો. ગીરમાં એણે પહાડો ખૂંદ્યા હતા. પહાડોના રૂપનો એ ચિરસંગી હતો. પહાડના શૃંગોને એણે સંધ્યાએ ને સુપ્રભાતે, સળગતા મધ્યાહ્ને ને મધરાતની રૂમઝુમ ચાંદનીમાં દીઠાં હતા. સોમૈયાજીના મંદિરના છેદાએલાં શૃંગો પ્રત્યે, એટલે જ, આ પહાડના પુત્રને પ્રેમને કરુણા પ્રકટી ઊઠયા. એ પોતાને થએલા અપમાનની લાગણીને, આ સાગર-ખોળે ઊભેલાં છપ્પન થાંભાળા મંદિરનો અપમાનિત વિરાટ દેહ દેખી ભૂલી ગયો. એણે આ મહાકાય મંદિરમાં જીવતો જાગતો ને હાજરાહજુર એજ, પ્રાણ જોયો, જે પ્રાણને એણે ગીરના ડુંગરાની ટૂંકે ટૂંકે ઘોરતો દીઠેલો.

મા એને મંદિરની પાછલી બાજુ લઇ ગઇ. પાછળની ગઢરાંગ પાસે એ તૂટેલાં બંને શિખરોના ટુકડે ટુકડા વેરાયા હતા. અને આ ટુકડાઓ પર માણસની ચામડી પર ત્રોફેલાં છૂંદણા જેવી શોભીતી શિલ્પની કારીગીરી હતી. ભીલ બાળકને માટે આ શિલ્પની બીજી ખુબીઓ તો સમજાવી સહેલ નહોતી, પણ પોતાના ને પોતાની માતાના હાથ પગના છૂંદણાં આ પથ્થરો પરની નાક્સીની સાચી સમજ પાડતાં હતાં. છૂંદણાવાળી પોતાની ભૂજાઓ સમા, આ નીચે પડેલા પાષાણો શિલાઓ પણ શું આ દેવળ એક દિવસનાં જીવતાં ધબકતાં ને રૂધિરવંતાં