પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ તેરમું
અનાદર

"એકાએક વીણા, સતાર અને સારંગી સુંદરીના ઝંકાર બોલ્યાં. મૃદંગો પર ધીરી થપાટો પડી. અને ભીલ બાળક જાણે એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં સરી પડ્યો. એના કાને કોયલકંઠી ઘૂઘરીઓના ધમકાર પડયા; ને એક મહારાવ ઊઠયો.

એને દક્ષિણ બાજુના ગોખમાંથી દેવાલયની અંદર નજર કરી, એ તો બાઘો બની ગયો. આ કોણ ? આ શિલાઓ પર કંડારેલી પૂતળીઓ તો પાષણમાંથી રમવા ઊતરી નથી ને ? એમ ધરતો એ દેવાલયના સ્થંભોના ટુકડા પર કોતરેલી આકૃતિઓ જોવા લાગ્યો. એ તો પત્થરમાં મોજૂદ હતી. ત્યારે આ બધી કોણ હતી ? કાળી કાળી ફરસબંધી ઉપર ત્રણસો જેટલી અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. સોમનાથ દેવની એ નૃત્યદાસીઓ હતી. મહાદેવને એ રીઝવતી હતી કે બ્રાહ્મણોને ?

મહાદેવનું કાજળકાળું લીંગ ફૂલો અને દીપકોની વચ્ચે બેઠું બેઠું જાણે આ નૃત્યસંગીતમાં ધ્યાનમગ્ન હતું. બે હજાર બ્રાહ્મણો બેઠા બેઠા ને ઊભા ઊભા માથાં ડોલાવતા હતા.