પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બન્નેએ લપાઇ લપાઇ નિહાળ્યાં - મહારાણી કુંતાદેને. રા'ની છાયા સમોવડી, જરીક પાછળ, છતાં પડખોપડખ એ ચાલી આવતી હતી. જાત્રા જુવારવા આવી હતી ખરી ને, એટલે શુભ્ર સાદા પોશાકે વધુ સોહામણી લાગતી હતી. ને જોનારાઓમાંથી કોણ કહી શકે, કે એ નર અને નારીમાંથી વધુ સોહાગ કોના મોં પર હતો ? ખરી વાત એ હતી કે નિશા અને શશીની માફક બન્ને જણા એક બીજાને સોહવતાં હતા. સોહાગના નીરની એ દેગ ચડતી હતી - પાણીના પરસ્પર દોલ - હિંડોળ લાગતે લાગતે નવાણમાં ચડે છે તેવી દેગ.

માંડળિક અને કુતાદેએ મંદિરમાં પ્રવેશ કર્યો, પણ બે હજાર બ્રાહ્મણોની મેદનીના મોં પર એણે તે દિવસ આગલા આદરભાવની નિસ્તેજ રેખાઓ નિહાળી. મારી આંખોનો જ કદાચ દોષ હશે, બ્રાહ્મણો સ્તુતિગાનમાં તલ્લીન છે તેથી કદાચ તેમણે પૂરૂં ધ્યાન નહિ આપ્યું હોય, એવું ભાવતો રા'સડેડાટ સોમનાથજીની પ્રતિમા પાસે પહોંચી, સાષ્ટાંગ કરી, પોતાને માટે અલાયદું રખાવેલું આસન શોધવા લાગ્યો. આસપાસ આસન હતું નહિ. એણે ફરસબંધી પર બેસી જવામાં કશી નાનપ ન માની.

થોડી વારે એને કાને બાર પર ધક્કામુક્કી હોંસાતોંસી થતી હોવાના અવાજ પડ્યા. એણે દ્વાર તરફ નજર કરી. પ્રતિહારીઓ કોઇક આદમીને અંદર આવતો અટકાવીને બહાર ધકાવી રહ્યા હોય તેમ લાગ્યું. એણે ઊકળતા અવાજની શબ્દ-ટપાટપી સાંભળી.

'તું શુદ્ર છે.'

'હું રાજપૂત છું'

'ક્યાંનો રાજપૂત ! જનોઇ ક્યાં છે ?'