પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૭

અનાદર


'જનોઈ પહેરવા જ આવ્યો છું. ક્ષત્રિયનો બાળ છું, મને શા માટે અટકાવો છો ?'

વીણાના સૂર અને દેવસેવિકાઓના રૂમઝુમાટ થંભી ગયો. કોલાહલ વધી પડ્યો. માંડલિક પણ ઊઠીને દ્વાર પર પહોંચ્યા. સો બસો બ્રાહ્મણોએ ઘેરી લીધેલો, પોતાના કામઠા પર તીર ચડાવીને એ ભીલ જુવાન ચોગાનમાં ઉભો હતો. એના શરીર પર ધૂળ હતી, એનઆં અંગો છોલાયેલાં હતાં. એના શામળા વર્ણ પર ઠેર ઠેર રાતા ચોળ લોહીના ટશિયા આવી રહ્યા હતા. એની ખુલ્લી પહોળી છાતી જરી જરી હાંફતી હતી. ને આંખોના ડોળા ઘૂમાઘૂમ કરતા હતા.

એ કહેતો હતો : 'હું રાજપૂત છું.'

'કોણ છે ? શું કરો છો બધા ?' રા'એ લ્હેકા લેતા સૂરે પૂછ્યું.

ટોળામાંથી એક અવાજ આવ્યો : 'શુદ્રો ફટવી મૂક્યા છે.'

'હું શુદ્ર નથી. ક્ષત્રિય છું.' જુવાનને એ એક જ બોલ આવડતો હતો અથવા એ બીજું બોલવાનું વિસર્યો હતો.

'જુવાન ! જુવાન !' રા' મંદિરના ઓટા પર ઊભા ઊભા એને ટાઢો પાડતા હતા : 'અથરો થા ના.'

ટોળાના કુંડાળા બહાર ઊભી ઊભી અંદર જવા મારગ માગતી એક બાઈ કહેતી હતી : 'એ ભાઈ ! મારા દીકરાને અકળાવો મા. એના બોલ્યા સામું જુવો મા, હું તમારે પગે પડું. સાચું છે. એ શુદ્ર છે. એને મૂકી દિયો.'

બ્રાહ્મણોના શોરબકોર અને ધક્કામુક્કી સામે રા'નો પંજો ઊંચો થયો. શોર અટકી ગયા.