પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૯

અનાદર


'તારૂં મોસાળ ?' રા'એ પ્રશ્ન પૂછ્યો.

'દોંણગઢડાના વેગડાજી. એણે પણ આ દેરાની રક્ષા માટે પ્રાણ દીધા છે. જુદ્ધ થયું ત્યારે બીજાની જેમ પાછલી બારીએથી દેરામાં ગરી નહોતા ગયા. એના શૂરાતનનાં શીંગ આડાં આવ્યાં હતાં.'

મેદનીને એક વિશેષ રોનક મળ્યું. સામટા પાંચસો હજાર ઘૂઘરા ખખડતા હોય એવા ખીખીઆટા થયા.

'વેગડાજી કોણ ?' રા'એ ગંભીર બની પૂછ્યું.

'મારો ડાડો.'

'ન્યાતે ?'

'ભીલ.'

જુવાન આ બધો શો બકવાદ કરતો હતો ? રા'ની પણ મતિ મૂંઝાઇ ગઈ. કુંતાદે તો કાંઇ રહસ્ય સમજતાં જ નહોતાં.

'બે હજાર તીરકામઠાળા ભીલો આંહી કપાણા'તા તે દિ.' ભીલ જુવાન ફરીવાર ઉન્નત મસ્તકે ને ટટ્ટાર ઢાલ જેવી છાતીએ બોલ્યો.

'હાથીલાના હમીરજી તો જુવાન, કુંવારા જ જુદ્ધે ચાલ્યા હતા.'

'રસ્તામાં - રસ્તામાં-'

'રસ્તામાં એની માં મળી હતી'. મેદનીમાંથી કોઈકે વ્યંગ કર્યો, ને મેદની ફરી વાર હસી.

'આ જુવાનને અમારા પડાવ માથે લઇ જાવ. ને તપાસ રાખો, એને કોઈ સતાવે નહિ.' રા'ની એ આજ્ઞા મળી એટલે ચોકીદારોએ જુવાનનો કબજો લીધો.