પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ચૌદમું

૧૦૨


'માનવીઓ છો, છતાં અધિકારો તો દેવોના જ તમે ભોગવો છો ને ? હમણાં જ મેં વારાંગનાઓને નાચતી દીઠી.'

'કોઈની વહુ બેટીઓ ક્યાં ઉપાડી લાવ્યા છીએ ? દેવની સોવકાઓ છે.' ગૌડના શબ્દોમાં છુપા ભાલાં હતાં.

'મારે તમને કહેવું જોઈએ ગૌડજી ! કે આ બધા નાટારંભે જ મંદિરનો ચાર વાર નાશ કરાવ્યો છે. કેમેકે એણે આપની માણસાઇનો નાશ કર્યો હતો.'

'એ બાત છોડ દીજીએ રાજન.' પુરોહિતનો સ્વર દુભાએલો હતો. 'વીજલ વાજાના નિષેધનું બીજું કારણ તો એ હતું કે એણે બ્રાહ્મણ-રાજ ચન્દ્રભાલ ઓઝાનો વધ કરી, સેંકડો બ્રહ્મહત્યાઓ કરી ઊનાનું રાજ લીધેલું તેની આ યોગ્ય સજા છે.'

'તો પછી ત્રિવેણીના સૂર્યકુંડના દર્શને જતાં એનાં ઠાકરાણાંની વેલ્યના પડદા ઊંચા ચડાવીને બે અદબી કરનારા બ્રાહ્મણોને દેવે કેમ કાંઈ સજા ન કરી ? તમે પણ કેમ કશો દંડ ન દીધો ?'

'બ્રાહ્મણોનો વાદ કોઇએ શા માટે કરવો જોઇએ? જો કે મારે તમને આ કરતાં વિશેષ ઠપકો દેવો રહે છે. તમે તો ઝુદ સોમૈયાનો જ વાદ કરેલ છે.'

શો વાદ ? ' રા' ચમક્યા.

'રોજ ગંગાજળે સ્નાન કરો છો, ને પોતાને ગંગાજળિયા કહાવી રક્તપીતના શાપ ટાળવાનો દાવો ધરાવો છો.'

'મેં શાપ ટાળવાનો દાવો કર્યો નથી.'

'પ્રજામાં તો એમ જ બોલાય છે, ને અજ્ઞાનીઓની એ માન્યતા બંધાઈ છે. દેવનો કોપ શા માટે પ્રજ્જવલાવો છો રાજન !'