પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૯

પાછાં વળતાં


સૂરો કાઢવા શરૂ કર્યા. એ એની વિલક્ષણ વાંભ હતી. એ વાંભનું જાદુ અકળ અને અજબ બની ગયું. ગીરના ઝાડવે ઝાડવાં જાણે સજીવન થયાં હોય તેમ કોતરોમાંથી ને ખીણોમાંથી, ડુંગરાની ટોચેથી ને તળેટીઓમાંથી માણસો ઊભરાયાં. એ સેંકડો લોકોના રંગ કાળા હતા, અંગો અધખુલ્લા હતાં, ખભે કમાનો હતી, ભુજાઓ લોખંડી હતી, ચામડી ચળકાટ મારતી હતી, તેમના પગના તળિયા નીચે બાવળ જેવા ઝાડના શૂળા પણ ભચરડાતા હતા. તેમના દેહ પર ચીરાડિયાં બોલાવતી કાંટાળી ડાળીઓને તેઓ ગણકારતા નહોતા.

તેમનાં ટોળેટોળાં ઉભરાયાં. તેમના કીકીઆટા ઊઠ્યા. તેમનાં પપૂડાં વાગ્યાં. તેમ તેમ તો તેમની મેદની ઊભરાતી ચાલી.

તેમનાં ટોળાં હતાં, છતાં સરખી કતારમાં ગોઠવાઇને ચાલતાં હતાં. તેમના સીસમ સરીખા પગ ઢોલની સાથે તાલ મેળવી કદમો માંડતા હતા. તેમની આંખોમાં આનંદ નાચતો હતો.

મધ્યગીરમાં એક ઉઘાડો ઓટો હતો. મંદિરનો ત્યાં ભભકો નહોતો. સાદા એક પથ્થરનું શિવલિંગ હતું. એની ચોપાસ ખુલ્લા ચોગાનમાં થાળી ફગાવો તો જાણે સપાટ ધરતી પર રમતી જાય એવે ઠાંસોઠાસ માથે એ ભીલ-મેદની ઊભી રહી હતી.

ઓટા ઉપર રા'ને ને રાણીને સિંહચર્મોના આસન પર બેસારી ભીલકુમારે સૌને કહ્યું -

'આ મારાં બોન છે. આ ગંગાજળિયો રા' છે. હિંદવો સૂરજ છે. હાજરાહજૂર દેવ છે. આ બોન છે. એ કેવી છે? કેમ કરીને કહું કે કેવી છે? બોન છે, બસ એમાં જ બધું આવી રીયું છે. બોનને ને રા'ને રીઝવવાં છે. રમતો દેખાડવી છે. દોંણશર ડાડાની હજૂરમાં રમત માંડીએ.'