પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અમારો તો જનેતાનો અવતાર : 'વેઠીએ છીએ ભાઈ મારા ! તારી પીઠ તો હમણાં જ ઘેર પહોંચતાં હળવી ફૂલ થશે. પણ હું જનેતા ! આઉના ભારને એક ઘડીયે ઉતારી આઘો મૂકી શકીશ ભાઇ?"

સમજુ પોઠિયો કતરાવું છોડીને વાગોળવ લાગતો.

અવાચક આ પ્રાણીઓ જ્યારે મૂંગા મૂંગા પણ વાણીવ્યવહાર કર્યે જતાં હતાં, ત્યારે જીભ અને હૈયાં જેને ભગવાને બોલવા કાજે જ દીધાં છે તે આ બે માનવીઓની જ મુસાફરી કાં બેતાલ ચાલી રહી હતી? માવતરનો સાથ સંસારમાં પહેલીજ વાર છોડાવીને જેને પુરુષ પોતાના અજાણ્યા સંસારમાં લઇ જતો હોય છે તે સ્ત્રીને પંથમાં જ પોતાની સાથે હેળવી લેવાની વણશીખવી આવડત એ પ્રભુનું મહાન દાન છે. પણ આ જુવાનને એ આવડત વાપરવાની જાણે વેળા જ નહોતી. એ તો પોતાની ફરશીથી રસ્તાંના ઝાડ કાપ્યે જતો હતો. બેશક, ઝાડીની કાંટાળી લાંબી ડાળીઓ ઓરતાના ઓઢણાંને - લાગ જડી જાય તો ગાલને પણ - જ્યારે જ્યારે ઉઝરડા કરતી હતી ત્યારે એ પાછો ફરીને મીઠાશથી ડાળખી કાઢી દેતો હતો. પણ બહુ બોલ્યા વગર. કોઇ ગઝબ ઉતાવળ હોય તેમ. એ આગળ આગળ ચાલતો આદમી એની ડાંગથી કાંટાળી ડાળીઓને એક કોર દબાવી દબાવી ઓરતનાં લૂગડાંને ને અંગને મારગ કરી આપતો.

"હળવો-હળવો-જરા સથરો હાલને ચારણ!" બાઇએ હસીને કહ્યું : "આમ રઘવાયો થેને કાં હાલતો હઇશ?"

આ બોલ બતાવે છે કે પાંચ જણાંના કબીલામાં જે બે માનવી હતાં તે ચારણ ને ચારણી હતાં. તેમનો પોશાક લેબાસ જોઇને પણ આપણે વરતી શકત કે બેઉ જણાં દેવીનાં બાળ હતાં. નજરે નિહાળીએ