પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ પંદરમું

૧૧૨


સાંભળી હતી તેવી પશુની કીકીઆરી સાંભળી. કીકીઆરી કરનાર પશુ નહોતો. પશુથી યે બદતર દશામાં જઇ પડેલો એક માનવી હતો. એ હતો એ નગ્નહાલ ચારણ ભૂંથો રેઢ.

કાળી ચીસ નાખીને ન્હાસી જતા, ઠેકડા મારતા, વોંકળાની ભેખડો છલાંગતા એ લાંબા મોટા રૂંછડાવાળા માનવીને કોઇક મીઠા દયામણા અવાજે બોલાવી રહ્યું છે. અવાજ એક સ્ત્રીનો છે.

'ચારણ ! ભાગ મા. ઠેકડા માર મા. સંતાઈ જા મા! ઊભો રહે, ઊભો રહે, આ લે, આ લે, ઊભો રહે ચારણ.'

ભૂંથો રેઢ અટકી જાય છે. વોંકળામાં વાછરૂ ચરાવતી એક વૃદ્ધ બાઇ એના તરફ જાય છે. નગ્નહાલ ગાંડો પોતાની પીઠ ફેરવીને ઊભો છે. વૃદ્ધ સ્ત્રી પણ નીચું નિહાળી નિહાળી તેના તરફ જાય છે. ને નજીક પહોંચીને એક લૂગડું ફેંકે છે. પોતાના દેહ પર ઓઢેલ સફેદ ઊનનો ભેળીઓ (ચારણીનું ઓઢણું) ઉતારીને ઘા કરે છે. ઘા કરતી કરતી બોલે છે 'માતાજી ! ખમૈયાં કરજો. મુંથી નથી જોવાતું. વીશ વરસ થઇ ગયાં. કેટલો બધો દુઃખી થયો હશે! એનું કોણ? બહુ કરી, અહહહ! બહુ કરી. હવે તો મારું એક પણ પાપ ન હોય, તો માતાજી, એની એબને ઢાંકવા દેજો.'

એમ બોલીને એ સ્ત્રી પોતાનો ભેળીઓ (ઊનનું ઓઢણું) એ માનવી તરફ ફેંકે છે. નગ્ન ચારણ એ ઝીલે છે. આજ વર્ષો સુધી એણે ભોગવેલી હાલત એકાએક બદલાય છે. ભેળીઓ સળગતો નથી. ભેળીઓ લઇને ચારણ પોતાની કમ્મર ફરતો લપેટી લે છે. લપેટીને શાંતિ પામે છે. ઊભો રહે છે. પાછી આંસુ સારતી એ ડોશીની સામે કરુણાર્દ્ર નયને ને ગરીબડે મોંયે જોઇ રહે છે. અને અરધું અંગ ઢંકાયાની ખાત્રી થયા પછી ધીરે ધીરે પગલે ચાલી નીકળે છે. ચાલતો ચાલ્તો પણ એ ખાત્રી કરતો જાય છે. લપેટેલ ભેળીઓ