પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૩

પાછાં વળતાં


હેમખેમ છે કે નહિ તેની ખાત્રી એ વારંવાર સ્પર્શ કરી કરીને મેળવે છે. પોતે મરી ગયો છે એવા સ્વપ્નામાંથી જાગી ઊઠેલોમાનસ પોતાની હયાતીની ખાત્રી કરતો કાળી મધરાતે જે લાગણી અનુભવે છે તે લાગણી આ ચારણ અનુભવી રહ્યો.

ને પોતાના મહાપરાધી માણસની એબ, ખુદ પોતે જ નવસ્ત્રી બનીને ઢાંકનાર એ બુઢ્ઢી બાઇ અર્ધ ઉઘાડા દેહે વાછરૂં હાંકતી ક્યારની ટુંકા માર્ગે મેણીઆ ભણી ચાલી નીકળી હતી. રા'આ ઓઢણા વગરની બુઢ્ઢી બાઇનું અચરજ નિહાળતા નિહાળતા મેણીઆને પાદર ગયા.

બપોરા કરવાનું ને રોંઢો ગાળવાનું રા'ના રસાલા માટે ત્યાં ઠર્યું હતું. ચારણોનું એ આખું ગામ ઢોલે શરણાઇએ સામે હાલ્યું હતું.

નહોતાં આવ્યાં ફક્ત એક ચારણી નાગબાઇ.

રા'એ પૂછપરછ કરી ત્યારે એમને ખુલાસો કરવામાં આવ્યો કે 'આઇના સંસારમાં બધું એવું બની ગયું છે કે પોતે આવા રાજ-અવસરે બહાર નીકળતાં નથી. ને આજ હૈયા ઉપર કાંઇક વધારે ભાર છે. એ ભાર શેનો છે તે ખબર કોઇને નહોતી પડી.

એનો પુત્ર ખૂંટકરણ ગઢવી, જે ચારણોનો ન્યાત-પટેલ હતો, ને પૌત્ર નાગાજણ ગઢવી. બેઉ હાજર હતા. નાગાજણ પાંચેક વર્ષ રા'થી નાનો હતો. પણ બોલવે ભારી વાતડાહ્યો નીકળ્યો. રા'ને નાગાજણે સાંજ સુધી એટલી બધી સુવાણ કરાવી કે રા'ને ને એને પ્રથમ મેળાપે જ પ્રીત બંધાઇ ગઇ.

રા'ના ગયા પછી ગામમાં વાતો થઇ કે આઈ આજે વગડેથી ઊઘાડાં કેમ આવ્યાં હતાં? સાંજે ગૌધણ ઘેરે આવ્યાં ત્યારે ગોવાળોએ ખબર દીધાં કે ઓલ્યા નાગાને કોઇકે છેવટે ઢાંક્યો લાગે છે. પણ એણે પહેરેલ હતો એક ભેળીયો. ને એ તો ગુલતાનમાં આવી જઈ બોલતો જતો હતો કે 'ઢાંક્યો-ઢાંક્યો-મને એણે જ ઢાંક્યો.'