પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ સોળમું
ગૂજરાતના દરવેશો

'અફસોસની બાત છે આ બધી, સોરઠરાજ!' દાતારના તકીઆની એક પર્ણકૂટિમાં એકાદ વર્ષ પછી સાંઇ જમીયલ શા રા' માંડળિકની સાથે વાતો કરતા હતા. 'તમારા જાતિ જોગંદરો અને દેવસ્થાનાંના રખેવાળોની જ્યારે આ હાલત સૂણું છું, ત્યારે ગૂજરાતના અમારા સૈયદો દરવેશોના એથી ઊલટા જ વર્તાવની વાતો મુસાફિર ફકીરો મારે કાને લાવે છે. એ ધર્મપુરુષો ધર્મની બરદાસ્ત કરતા કરત પણ દુન્વયી ડહાપણનો દોર ચૂકતા નથી. તમે સાંભળ્યું ને? આખરે માળવાના સુલતાન મુહુમ્મુદ ખીલજીને ગૂજરાત પરથી હાથ ઊઠાવી લઇને ભાગી જવું પડ્યું છે. ભાગતાં ભાગતાં એને કબૂલ કરવું પડ્યું છે કે ગૂજરતના કે ગૂજરાતના સુલતાનની પાસે બે લશ્કરો છે. એક લશ્કર હથિયારોથી લડે છે, ને બીજું લશ્કર રાત્રિયે દુવાઓ તેમ જ બંદગીઓથી લડતું લડતું ગૂજરાતના સુલતાનની સત્તા મજબૂત રાખે છે. એ લશ્કર એટલે અમારા સૈયદો, સાંઇઓ, દરવેશો, ધર્મપુરુષો.'

'અમારે તો હિંદુ દરવેશોના બે જ વિભાગ છે : એક ઇશ્વરોપાસનામાં તલ્લીન એકાંતવાસીઓ, ને બીજા દેવસ્થાનાંની દુકાનદારી કરતા વૈભવ પ્રેમીઓ.' રા'એ કહ્યું.